News Portal...

Breaking News :

કમલાનગર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય

2026-08-14 11:23:08
કમલાનગર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય

વડોદરાનાં ઐતિહાસિક વારસા સમાન તળાવો આજે કોર્પોરેશનના નકામા શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીને કારણે જોવાલાયક પણ રહ્યા છે. રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાનાં નાગરિકોને ભેટમાં આપેલા અતિ સુંદર તળાવો પર આજે કચરા અને જળકુંભીનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચૂક્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોનાં કહેવાતા બ્યુટિફિકેશનના નામે પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં પધરાવી દેવાયા છે. બહારથી રંગબેરંગી લાઈટો અને સિમેન્ટના સ્ટ્રક્ચરો ઊભા કરીને વાહવાહ લૂંટનારા શાસકોના કારણે વાસ્તવિકતામાં પાણી અત્યંત ઝેરી અને દુર્ગંધયુક્ત બની ગયું છે. જનતા દુર્ગંધ અને મચ્છરોથી ત્રાહિમામ પોકારી ગઈ છે, જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરો પ્રજાનાં નાણાંથી ગાડી-બંગલાવાળા બની ગયા છે.

પૂર્વ મેયર પિન્કી સોનીના વોર્ડ નંબર 4માં આવેલા કમલાનગર તળાવની સ્થિતિ આજે અત્યંત દયનીય અને ગંભીર વળાંક પર પહોંચી ગઈ છે. વર્ષ 2016માં VMC દ્વારા કમલાનગર તળાવના વિકાસ માટે વિશેષ યોજના ઘડીને ₹11.13 કરોડ, મળી કુલ ₹15.21 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત મંજૂર કરવામાં આવ્યા હતા. આ રકમમાંથી જોગિંગ ટ્રેક, ગાર્ડન, લાઈટિંગ અને બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યા હતા. પરંતુ તળાવના મૂળ આત્મા સમાન પાણીની જાળવણીમાં જ ઘોર બેદરકારી દાખવવામાં આવી છે.

આખું કમલાનગર તળાવ લીલી જળકુંભીથી ઘેરાઈ ગયું છે, જે તળાવ માટે કેન્સર સમાન સાબિત થઈ રહી છે. જળકુંભીના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટીને શૂન્ય થઈ જતાં જળચર જીવો અને માછલીઓ ટપોટપ મરી રહી છે. મરેલી માછલીઓ અને કાળી પડી ગયેલી ગંદકીમાંથી એટલી ભયાનક દુર્ગંધ આવે છે કે લોકો માટે સવારે વોકિંગ કે જોગિંગ કરવું તો દૂર, ઘરમાં શાંતિથી શ્વાસ લેવો પણ અશક્ય બની ગયો છે.

કમલાનગર તળાવ અને શહેરના અન્ય તળાવોની બદતર હાલત અંગે કોંગ્રેસ પ્રવક્તા વિશાલ પટેલે સ્થાનિક કોર્પોરેટરો અને ભાજપના શાસકો સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોર્પોરેટરોની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો શ્વેતા માછી, મધુબેન જૈન, અજિત દધીચ અને મયુરભાઈ ચોવટિયા માત્ર ઉદ્ઘાટનો, કાર્યક્રમો અને રિબન કટીંગમાંથી ઊંચા આવે તો તેમને પ્રજાની અસલી તકલીફો દેખાય. જનતાએ તમને નેતાગીરી ચમકાવવા નહીં, પરંતુ વિસ્તારની પાયાની સફાઈ અને સુવિધાઓ જાળવવા માટે ચૂંટ્યા છે.

બગીચા અને તળાવની સફાઈના કોન્ટ્રાક્ટ લઈને કરોડો રૂપિયા ચાઉં કરી જતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના ટેન્ડર તાત્કાલિક અસરથી રદ કરવા જોઈએ. જો વોર્ડ નંબર 4નાં તમામ તળાવો અને ગાર્ડનની યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં નહીં આવે, તો સ્થાનિક જનતાને સાથે રાખીને સ્વખર્ચે સફાઈ કરાવવામાં આવશે. એટલું જ નહીં, તળાવમાંથી નીકળેલો તમામ કચરો અને દુર્ગંધયુક્ત ગંદકી ભાજપનાં તમામ કોર્પોરેટરો અને જવાબદાર અધિકારીઓની ઓફિસો સામે જઈને ઠાલવવામાં આવશે.

વડોદરાની જનતા દર વર્ષે કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ અને વોટર ટેક્સ ભરે છે. આ જનતાના નાણાંમાંથી સુરસાગર પાછળ ₹37.60 કરોડ અને અન્ય તળાવો પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા, છતાં પરિણામ ‘શૂન્ય’ છે. જ્યારે પણ સવાલો પૂછવામાં આવે ત્યારે તંત્ર અને કોર્પોરેટરો એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને હાથ ઊંચા કરી લે છે. કોન્ટ્રાક્ટરોને કરોડોના ચુકવણાં થઈ જાય છે, પરંતુ જાળવણીના નામે શૂન્ય કામગીરી થાય છે.

હવે સમય આવી ગયો છે કે વડોદરાના જાગૃત નાગરિકો માત્ર ફરિયાદો કરવાને બદલે જવાબદાર અધિકારીઓ અને નેતાઓ પાસે એક-એક પાઈનો હિસાબ માગે અને નિષ્ક્રિય કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની મજબૂત ઝુંબેશ ઉપાડે.


બ્યુટિફિકેશનના નામે શહેરના તળાવોમાં 100 કરોડથી વધુનું આંધણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો માટે સુંદરતા અને મનોરંજનની સુવિધાઓ વધારવા તળાવોના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. હરણી, સમા, કમલાનગર સહિત શહેરના 26 તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આરટીઆઈ (RTI)થી મળેલી વિગતો મુજબ, વર્ષ 2017-18થી 2022-23 દરમિયાન તળાવોના વિકાસ અને બ્યુટિફિકેશન પાછળ કુલ રૂ. 100 કરોડથી વધુનો ખર્ચ થયો છે.

 જેમાં સુરસાગર તળાવમાં સૌથી વધુ ₹37.60 કરોડ, રામનાથ તળાવમાં ₹3.56 કરોડ અને તરસાલી તળાવમાં ₹2.89 કરોડ તથા કમલાનગર, હરણી, ગોત્રી, સમા, સિંધુ સાગર વગેરે વિસ્તારોના તળાવો પાછળ પણ કરોડોનું આંધણ કરાયું છે. દુઃખની વાત એ છે કે આટલો જંગી ખર્ચ કર્યા પછી પણ પ્રખ્યાત સુરસાગરથી લઈને સમા, ગોત્રી અને કમલાનગર સુધીના તમામ તળાવોનું પાણી અત્યંત ગંદુ અને દૂષિત છે. તળાવોની આંતરિક સફાઈ કે વોટર ફિલ્ટરેશન તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તળાવોના વિકાસ અંતર્ગત વોકિંગ ટ્રેક, ગાર્ડન, લાઈટિંગ, બેન્ચ સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. કેટલાક તળાવોને ઊંડા કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. જોકે, બ્યુટિફિકેશન બાદ નિયમિત જાળવણીના અભાવે અનેક તળાવોની સ્થિતિ અંગે સ્થાનિક સ્તરે ફરિયાદો અને સવાલો ઉઠી રહ્યા છે. કરોડોનો ખર્ચ કર્યા બાદ તળાવોની જાળવણી અને પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે હવે તંત્ર સામે પ્રશ્નો ઉભા થયા છે.

શાસકોની નફ્ફટાઈ સામે જનઆંદોલનના એંધાણ

બ્યુટિફિકેશનનાં નામે વડોદરાના કરદાતા નાગરિકોના પૈસા પાણીમાં ગયા છે. કોર્પોરેશનનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વડોદરાની પ્રજા રોગચાળાના મુખમાં ધકેલાઈ રહી છે. ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અને ભયાનક દુર્ગંધને કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે. જો VMC તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ તળાવોની સફાઈ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર વડોદરામાં જનઆંદોલન ફાટી નીકળશે.

ગાયકવાડી સ્થાપત્ય પર ભ્રષ્ટાચારનું ગ્રહણ

મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાને માત્ર એક સુંદર શહેર જ નહોતું બનાવ્યું, પરંતુ જળસંચય અને પર્યાવરણીય સમતુલન માટે સમગ્ર શહેરમાં તળાવોનું એક અદ્ભુત નેટવર્ક ઊભું કર્યું હતું. દુર્ભાગ્યવશ, આજનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઐતિહાસિક વારસાનું જતન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. સૌંદર્યીકરણના નામે આયોજન વગરના અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટ સિસ્ટમવાળા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકીને તળાવોના નાજુક ઈકોસિસ્ટમનો નાશ કરી દેવાયો છે. સિમેન્ટના જંગલો ઊભા કરી દેવાયા, પરંતુ પાણીની શુદ્ધતા જાળવવામાં ક્યાંક કચાસ રહી ગઈ. પરિણામે, ગાયકવાડી સમયની અણમોલ ભેટ આજે ભ્રષ્ટાચાર અને ઘોર ઉપેક્ષાનું ઉદાહરણ બનીને રહી ગઈ છે.

તળાવોમાં ઓક્સિજનનો અભાવ અને જળચરોનું મરણ

કમલાનગર સહિત વડોદરાના અનેક તળાવો પર છવાઈ ગયેલી લીલી જળકુંભી માત્ર દૃશ્યમાન ગંદકી નથી, પરંતુ એક ગંભીર પર્યાવરણીય આપત્તિ છે. વિજ્ઞાનના નિયમ મુજબ, પાણીની સપાટી પર જ્યારે જળકુંભીનો જાડો થર જામી જાય છે ત્યારે સૂર્યપ્રકાશ અને ઓક્સિજન પાણીની અંદર પહોંચી શકતા નથી. પરિણામે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ જોખમી સ્તરે વધી જાય છે અને પાણીમાં રહેલી માછલીઓ તથા અન્ય જળચર જીવો શ્વાસ રૂંધાવાથી તડપી-તડપીને મરી જાય છે. તળાવોમાં કોહવાઈ રહેલા આ જીવોની દુર્ગંધ સમગ્ર રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહી છે, જે નાગરિકો માટે શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

Reporter: admin

Related Post