News Portal...

Breaking News :

વડોદરામાં ખાદ્ય યુનિટો પર પાલિકાની તવાઈ

2026-08-13 12:39:01
વડોદરામાં ખાદ્ય યુનિટો પર પાલિકાની તવાઈ

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થો સાથે સંકળાયેલા યુનિટો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની સૂચના તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહીમાં કુલ 37 યુનિટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન 27 ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા.


પાલિકાની ટીમે મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું, તજ, ઇલાયચી, બદામ, વિવિધ દાળ, પામોલીન, ઘી, સીંગતેલ, મસ્ટર્ડ ઓઇલ, કાજુ કતરી, પનીર લવાબદાર અને સ્પાઇસ ક્રાફ્ટ મખની સહિતના ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા. આ નમૂનાઓને પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ચેકિંગ દરમિયાન અનેક યુનિટોમાં અસ્વચ્છ સ્થિતિ (અનહાઇજેનીક કન્ડિશન) જોવા મળતા શેડ્યૂલ-4 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. અમિતનગર વિસ્તારમાં કાકાની પાવભાજીમાંથી 35 કિલો વાસી અને અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

પાલિકાની વોર્ડ ટીમ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં વિવિધ યુનિટો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહાકાળી સેવઉસળને રૂ.25 હજાર, શ્રી માયાતીર્થ સેવા ફૂડ્સ પ્રા.લિ.ને રૂ.2.50 લાખ, જય અંબે ટ્રેડર્સને રૂ.10 હજાર સહિત અન્ય યુનિટો સામે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. છાણી તથા ચિશ્તીયા શાકમાર્કેટ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 14 હોકર યુનિટને રૂ.1 હજાર લેખે કુલ રૂ.14 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post