વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 2 સપ્ટેમ્બર, 2026ના રોજ અલગ-અલગ વોર્ડમાં લારી-ગલ્લા, ફૂલોના પથારા, પતરાના શેડ, કાચા ઝૂંપડા સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન ચાર રસ્તા સુધીના માર્ગની બંને બાજુ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ફૂલોના પથારા, કેરેટો તેમજ લારી-ગલ્લાના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સામાન જપ્ત કરી વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર 9માં ગોત્રી-સેવાસી કેનાલ પાસે, ગોત્રી વુડા સર્કલ અને નારાયણ ગાર્ડન નજીક દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં લારી-ગલ્લા તેમજ પતરાના શેડ દૂર કરવામાં આવ્યા હતા અને એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 4માં ખોડિયારનગર વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન એક ફોરવ્હીલ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નંબર 10માં નીલાંબર પેલેસ સામે આવેલા કાચા ઝૂંપડાના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભાયલી કેનાલ વિસ્તારમાં ફર્નિચર તેમજ લારી-ગલ્લાના દબાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગો અને જાહેર સ્થળો પર થતા દબાણ દૂર કરવાની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
Reporter: admin







