વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચારેય તરફ માર્ગો પર પાણી ભરાઈ જવા અને ભયાનક ખાડા પડવાની સાથે ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારીના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ચોમાસાની આ કપરી સ્થિતિમાં પણ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્ક્રિયતાના લીધે લોકો સરેઆમ રસ્તા પર જ પોતાની કાર પાર્ક કરીને ચાલ્યા જાય છે, જેના કારણે શહેરમાં ઠેરઠેર ભયાનક ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.
ખાસ કરીને કોઠી ચાર રસ્તા પાસે તો રોડની સાઇડ પર એટલી મોટી સંખ્યામાં કાર પાર્ક થયેલી જોવા મળી હતી કે આખો રસ્તો અત્યંત સાંકડો બની ગયો હતો. વરસાદી પાણી અને ખાડા વચ્ચે એક તરફ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગેરકાયદે પાર્કિંગના કારણે કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી રહી છે.

સૌથી ગંભીર બાબત તો એ છે કે હેલ્મેટ કે નાના-મોટા નિયમભંગ બદલ સામાન્ય નાગરિકો સામે તાત્કાલિક દંડનો ડંડો ઉગામતી ટ્રાફિક પોલીસનો એક પણ અધિકારી કે કર્મચારી કોઠી ચાર રસ્તા પાસે સર્જાયેલા આ ટ્રાફિક જામને ક્લિયર કરાવવા કે ગેરકાયદે પાર્ક થયેલા વાહનોને હટાવવા માટે ડોકાયો સુધી ન હતો.
શહેરના અનેક વિસ્તારોમાં 'નો પાર્કિંગ'ના બોર્ડ મારેલા હોવા છતાં વાહનચાલકો બેફામ વાહનો મૂકી જાય છે અને કાયદાનું પાલન કરાવવા માટે બનાવવામાં આવેલી ફૂટપાથો પણ પોલીસના આશીર્વાદથી ગેરકાયદે પાર્કિંગના અડ્ડા બની ગઈ છે.
અમીર કે પહોંચેલા ફોર-વ્હીલર માલિકો સામે કાર્યવાહી કરતાં ટ્રાફિક પોલીસના પેટનું પાણી પણ હલતું નથી, પરંતુ મહિને માંડ 15 હજાર કમાતો સામાન્ય નાગરિક જો હેલ્મેટ વગર નીકળે, તો ઇસ્ત્રી કરેલા ટાઇટ કપડાં અને રેબેનના ચશ્માં પહેરેલા ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ મીડિયા સામે જ તેને ઘેરી વળીને દંડ ફટકારે છે. જો સામેનો વાહનચાલક પહોંચેલો દેખાય, તો પોતાના ઘરમાં ચૂલો સળગે તેવા પ્રયાસો પણ કરી લેવાય છે.

એસીપી કચેરી સામે જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ
બીજી તરફ, ટ્રાફિક એસીપી કચેરીની બિલકુલ સામે જ રિક્ષાવાળાઓ ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી સરેઆમ નિયમોનો ભંગ કરે છે, પરંતુ હેડ કોન્સ્ટેબલ ભરણસિંહ જેવા તત્વોના કારણે આખી પોલીસ વ્યવસ્થા બાનમાં હોય તેમ રિક્ષાવાળાઓ સામે કોઈ પગલાં લેવાતા નથી.
કાયદાનો આ બેવડો માપદંડ ત્યારે પણ સાબિત થાય છે, જ્યારે બાઇક પર દંડો લગાવીને નીકળેલા પોલીસ કર્મચારીઓ પોતે જ હેલ્મેટ વગર ફરે છે, છતાં તેમની સામે કોઈ દંડ કરવામાં આવતો નથી.
જો વડોદરા ટ્રાફિક પોલીસમાં ખરેખર નૈતિક હિંમત હોય, તો તેમણે ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે લાલ આંખ કરવી જોઈએ અને હેલ્મેટ વગર નીકળતા પોતાના જ કર્મચારીઓ પાસેથી દંડ વસૂલીની પ્રેસનોટ જાહેર કરવી જોઈએ.
Reporter:







