ચૂંટણી આયોગ દ્વારા આયોજિત ૧૪૫-માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) મોહિત બુંદાસ (IAS)એ ચૂંટણીના નોડલ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં ઓબ્ઝર્વરએ વડોદરા શહેરના ૧૪૫-માંજલપુર વિધાનસભા વિસ્તારની પેટા ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ચૂંટણી નિરીક્ષકએ લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. ઓબ્ઝર્વરશ્રી એ સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ જાણકારી મેળવી જરૂરી સુચનો કર્યા હતા.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલ ધામેલિયાએ ઓબ્ઝર્વરનું શાબ્દિક સ્વાગત કરી અત્યાર સુધીમાં ચૂંટણી સંદર્ભે થયેલી કામગીરીની છણાવટ કરી હતી. તેમજ આગામી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી.
બેઠકમાં મતદાન કેન્દ્રો, ઇવીએમની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ, તાલીમ વગેરે અંગેની માહિતી રિટર્નિંગ ઓફિસર શ્રી એ આપી હતી.
Reporter: admin







