કહેવા માટે તો ગુજરાતમાં ગાંધીનું ગુજરાત છે અને અહીં નશાબંધીનો કાયદો અમલમાં છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પોતાના આર્થિક ફાયદા માટે કાયદાને બુટલેગરોના ચરણોમાં ગિરવે મૂકી રહ્યા છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરાના કપુરાઈ અને સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવેલી બે મોટી રેડ માત્ર દારૂ પકડવાનો કિસ્સો નથી, પરંતુ ખાખીના નામે કલંક સમાન પોલીસ-બુટલેગર નેક્સસનો જીવતો-જાગતો પુરાવો છે. જ્યારે જનતાના ટેક્સના પૈસાથી મોટો પગાર મેળવતા પોલીસવાળા જ બુટલેગરોના સાગરીત બનીને SMCની રેડ નિષ્ફળ બનાવવાના પેંતરા રચે છે, ત્યારે આ ભ્રષ્ટાચારીઓની વફાદારી કોની સામે છે, તેવો મોટો સવાલ ઊભો થાય છે.
આ સમગ્ર કૌભાંડનું કેન્દ્રબિંદુ વડોદરા-સુરત નેશનલ હાઈવે પર આવેલી મહાદેવ હોટલ બની છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અને કામરેજ પોલીસ સ્ટેશનની ફરિયાદ, બંનેમાં એક જ હોટલનો વારંવાર ઉલ્લેખ થવો એ કોઈ યોગાનુયોગ નથી. ચર્ચા છે કે આ મહાદેવ હોટલ હવે બુટલેગરોનું સત્તાવાર 'એપી સેન્ટર' કે 'હબ' બની ગઈ છે. રાજસ્થાન કે હરિયાણાથી આવતા કરોડો રૂપિયાના દારૂ ભરેલા કન્ટેનરો અહીં આવીને થોડો સમય રોકાય છે અને ત્યાંથી જ આખા નેટવર્કનું ઓપરેશન હેન્ડલ થાય છે. આટલી મોટી પ્રવૃત્તિ સ્થાનિક પોલીસની આંખ નીચે થતી હોય અને તેમને તેની ગંધ પણ ન આવે, તે વાત ગળે ઊતરે તેવી નથી.
આ બંને એફઆઈઆરની વિગતો જોતા સ્પષ્ટ થાય છે કે 3 જુલાઈના રોજ કામરેજમાં પકડાયેલા ટ્રકમાંથી રૂ. 85 લાખથી વધુનો દારૂ મળ્યો હતો, જ્યારે 8 જુલાઈના રોજ કપુરાઈ ખાતે પકડાયેલા કન્ટેનરમાંથી રૂ. 78 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. આટલો મોટો કરોડો રૂપિયાનો મુદ્દામાલ ગુજરાતની ધરતી પર ઘુસાડવા માટે બુટલેગરો એકલા સક્ષમ નથી; તેમને સિસ્ટમમાંથી જ કોઈક 'લાઈન ક્લિયરન્સ' આપી રહ્યું હતું.
બંને ગુનાની પદ્ધતિ એકસરખી છે. હરિયાણા અને રાજસ્થાન પાસિંગના બંધ બોડીના ટ્રક ગુજરાતમાં પ્રવેશે છે, ગોલ્ડન ચોકડી વટાવીને સીધા મહાદેવ હોટલના પાર્કિંગમાં આશ્રય લે છે. કામરેજના કેસમાં પકડાયેલા ડ્રાઈવર સતપાલ સિંહે કબૂલાત કરી છે કે તે છેલ્લા ત્રણ વર્ષથી રાહુલ નામના ઈસમના સંપર્કમાં હતો અને વડોદરા ગોલ્ડન ચોકડી પાસે આવેલી મહાદેવ હોટલ ખાતે જ તેમની મુલાકાત થતી હતી. એક ટ્રીપના રૂ. 40 હજાર નક્કી કરીને આ કાળો કારોબાર ચાલી રહ્યો હતો.
જાંબુઆ બ્રિજ પર પોલીસ કર્મચારીઓનો ગેરકાયદેસર ટ્રાફિક જામ
પોલીસ વર્તુળોમાં ચર્ચાતી વિગતો સ્ફોટક છે કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂ ભરેલા ટ્રકનો પીછો કરી રહી હતી, ત્યારે એજન્સીના જ બે ભ્રષ્ટ કર્મચારીઓ બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી લઈને જાંબુઆ બ્રિજ પાસે પહોંચી ગયા હતા. આ ભ્રષ્ટ પોલીસવાળાઓને અગાઉથી ગંધ આવી ગઈ હતી કે SMC મોટી રેડ કરવાની છે. બુટલેગરોની કરોડો રૂપિયાની ગાડી હેમખેમ નીકળી જાય તે માટે આ બંને નમકહરામ પોલીસવાળાઓએ જાંબુઆ ખાતે ગેરકાયદેસર રીતે ટ્રાફિક જામ કરી દીધો હતો. કાયદો જાળવવાની જવાબદારી જેમના માથે છે, તેઓ જ બુટલેગરોના ઈશારે રસ્તો જામ કરીને કાયદાના રક્ષકોનો રસ્તો રોકતા હતા, તેવી પોલીસ બેડામાં ભારે ચર્ચા છે.
ગોલ્ડન ચોકડીથી કામરેજ સુધીનો પીછો અને SMCની સતર્કતા
બુટલેગરો નિલુ સિંધી અને નિરવ ઉર્ફે બાઇડી પટેલે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. જે બનાવ વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે પૂરો થવાનો હતો, તેને નિષ્ફળ બનાવવા સ્થાનિક કક્ષાએથી પૂરો પ્રયાસ થયો. પરંતુ SMCની બીજી ટીમે પીછો છોડ્યો નહીં. જાંબુઆ ખાતે ટ્રાફિક જામ કરીને બુટલેગરોને ભગાડવાનો પેંતરો રચાયો હોવા છતાં, SMCની સતર્ક ટીમે છેક સુરત ગ્રામ્યનાં કામરેજ સુધી ટ્રકનો પીછો કર્યો અને અંતે મુંબઈ-દિલ્હી હાઈવે પર દિગસ ગામ પાસે ટ્રકને દબોચી લીધો. આ ઘટના સાબિત કરે છે કે સ્થાનિક પોલીસ કઈ હદ સુધી બુટલેગરોને પ્રોટેક્શન આપી રહી હતી.
ચર્ચાસ્પદ બ્લેક સ્કોર્પિયો હેડક્વાર્ટરમાં પડેલી હોવાની ચર્ચા
અમને મળેલી માહિતી પ્રમાણે પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા છે કે જાંબુઆ બ્રિજ પર ટ્રાફિક જામ કરવા માટે જે બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ગાડી હાલ પોલીસ હેડક્વાર્ટરમાં પડી છે. હવે સીધો સવાલ વડોદરા પોલીસ કમિશનર સામે ઊઠે છે. કમિશનર સાહેબે આ બાબતે તાત્કાલિક કડક તપાસના આદેશ આપવા જોઈએ. એ દિવસે તે ગાડી લોકેશન મુજબ ક્યાં-ક્યાં ફરી હતી? ગાડીમાં કયા બે પોલીસ કર્મચારીઓ સવાર હતા? અને તેમનો બુટલેગરો સાથે શું સંબંધ છે? આ તમામ CCTV ફૂટેજ અને રૂટની તપાસ થાય તો ખાખી વર્દી પાછળ છુપાયેલા મોટા માથાઓના ચહેરા બેનકાબ થઈ જશે.
ચર્ચાસ્પદ બ્લેક સ્કોર્પિયો હેડક્વાર્ટરમાં પડેલી હોવાની ચર્ચા
અમને મળેલી માહિતી પ્રમાણે પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા છે કે જાંબુઆ બ્રિજ પર ટ્રાફિક જામ કરવા માટે જે બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ગાડી હાલ પોલીસ હેડક્વાર્ટરમાં પડી છે. હવે સીધો સવાલ વડોદરા પોલીસ કમિશનર સામે ઊઠે છે. કમિશનર સાહેબે આ બાબતે તાત્કાલિક કડક તપાસના આદેશ આપવા જોઈએ. એ દિવસે તે ગાડી લોકેશન મુજબ ક્યાં-ક્યાં ફરી હતી? ગાડીમાં કયા બે પોલીસ કર્મચારીઓ સવાર હતા? અને તેમનો બુટલેગરો સાથે શું સંબંધ છે? આ તમામ CCTV ફૂટેજ અને રૂટની તપાસ થાય તો ખાખી વર્દી પાછળ છુપાયેલા મોટા માથાઓના ચહેરા બેનકાબ થઈ જશે.
મહાદેવ હોટલનું CCTV ફૂટેજ ખોલશે ભ્રષ્ટાચારના રહસ્યો
મળતી માહિતી પ્રમાણે સમગ્ર કેસમાં જે કાંડ થયો છે, તેના આધારે ઉચ્ચ અધિકારીઓ પણ હચમચી ગયા છે. આ સમગ્ર નેક્સસને તોડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મહાદેવ હોટલના CCTV ફૂટેજ તેમજ હાઈવે રૂટના CCTV ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. આ ફૂટેજમાં માત્ર બુટલેગરોના ડ્રાઈવરો જ નહીં, પરંતુ વર્દીધારી વચેટિયાઓ અને લાઈન ક્લિયર કરાવનારા પોલીસવાળાઓના પણ પુરાવા મળવાની પૂરી સંભાવના છે. જો આ તપાસ ઈમાનદારીથી થશે, તો પોલીસ વિભાગમાં ચાલતો આ કાળો કારોબાર અને બુટલેગરોની દલાલી કરતા તત્વો સીધા જેલના સળિયા પાછળ ધકેલાશે.
પોલીસ જ બુટલેગરોની મદદ કરી પ્રમાણિક પોલીસ સાથે દગો કરે છે
એક તરફ પ્રમાણિક અધિકારીઓ જીવના જોખમે હાઈવે પર પીછો કરીને દારૂના કન્ટેનરો પકડે છે અને બીજી તરફ એ જ વિભાગના ભ્રષ્ટ કર્મચારીઓ બુટલેગરોને બચાવવા રસ્તા પર ટ્રાફિક જામ કરે છે. આ કઈ કક્ષાની નૈતિકતા છે?
આ કેસ માત્ર પ્રોહિબિશનનો નથી, પરંતુ ખાખી વર્દીની આડમાં ચાલતા સંગઠિત ગુનાખોરીના નેટવર્કનો છે. જો પોલીસ જ બુટલેગરોને ભગાડવામાં મદદ કરશે, તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગશે.
આ સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ બાદ હવે નજર ગૃહ વિભાગ પર છે. હેડક્વાર્ટરમાં જમા પડેલી બ્લેક સ્કોર્પિયો ગાડી કોના ઈશારે ફરી રહી હતી? એજન્સીના તે બે કર્મચારીઓ કોણ હતા, જે બુટલેગરોના રક્ષક બન્યા હતા?
આ કિસ્સામાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ માત્ર બદલી કે સસ્પેન્શન જેવી હળવી સજા કરવાને બદલે તેમની સામે ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવો જોઈએ. તેઓને તાત્કાલિક અસરથી ડિસમિસ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ સરકારી કર્મચારી બુટલેગરોની દલાલી કરતાં પહેલાં સો વાર વિચારે. મહાદેવ હોટલ અને તેની આસપાસના તમામ CCTV ફૂટેજની તટસ્થ તપાસ જ આ કાળા કારોબારના સાચા આકાઓ સુધી પહોંચાડી શકશે.
આ એફઆઈઆરના સંદર્ભમાં સમગ્ર ઘટનાક્રમ અંગે પૂછતાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પીઆઈ બી. એચ. રાઠોડે જણાવ્યું હતું કે, "હાલ આ કેસની તપાસ કામરેજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તેથી આ મામલે તપાસની વધુ માહિતી માટે કામરેજ પોલીસનો સંપર્ક કરવો યોગ્ય રહેશે."
બી. એચ. રાઠોડ. પીઆઇ. એસ એમ સી.
Reporter: admin







