News Portal...

Breaking News :

પરિવાર ચાર રસ્તા પાસે એક મહિનાથી પડેલો ભૂવો યથાવત, રાહદારીઓ માટે જીવલેણ જોખમ

2026-07-13 10:58:34
પરિવાર ચાર રસ્તા પાસે એક મહિનાથી પડેલો ભૂવો યથાવત, રાહદારીઓ માટે જીવલેણ જોખમ

વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર છેલ્લા અંદાજે એક મહિનાથી પડેલો ભૂવો હજુ સુધી યથાવત રહેતા રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત વિભાગ દ્વારા ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પાણીની લાઇન, ડ્રેનેજ અને વરસાદી ગટરના કામો બાદ યોગ્ય રીતે રોડનું પુનઃસ્થાપન (રિસ્ટોરેશન) ન થતાં વારંવાર રસ્તા બેસી જાય છે અને ભૂવા સર્જાય છે. ઉપરાંત પાણીની લાઇનમાં લીકેજ અને નબળી ગુણવત્તાની કામગીરીને કારણે પણ આવી સમસ્યાઓ વધી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક આ ભૂવો ભરી રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેમજ હલકી ગુણવત્તાનું કામ કરનાર ઇજારેદારો અને બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે. શહેરમાં સતત પડી રહેલા ભૂવાઓના કારણે જાહેર નાણાંનો પણ વેડફાટ થઈ રહ્યો હોવાની ચર્ચા છે.

Reporter: admin

Related Post