વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (VSCDL) અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરમાં ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાયેલા એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સોફ્ટવેર પ્રોજેક્ટમાં વહીવટી અણઆવડત અને નાણાકીય આયોજનના ધબડકાની ચોંકાવનારી વિગતો કેગ (CAG) ના સત્તાવાર ઓડિટ દસ્તાવેજોમાં સામે આવી હતી. આપણી તપાસ દરમિયાન સામે આવેલા સત્તાવાર રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને પાછળથી સ્માર્ટ સિટી મિશનના પાન-સિટી પ્રોજેક્ટમાં ભેળવી દેવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન ડીપીઆર (DPR) બનાવ્યા વગર જ કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડી દેવાયા હતા. જીઆઈપીએલ (GIPL) એજન્સી દ્વારા આ પ્રોજેક્ટનો મૂળ અંદાજિત ખર્ચ રૂ. ૧૩.૬૨ કરોડ દર્શાવાયો હોવા છતાં, ટેન્ડર પ્રક્રિયામાં વાટાઘાટોના અંતે રૂ. ૨૯.૦૮ કરોડ જેવી જંગી રકમે કામગીરી સોંપી દેવાઈ હતી, જે મૂળ અંદાજ કરતાં ૧૧૩.૪૧ ટકા વધુ રકમ હતી.
ઓડિટ અહેવાલના ચોંકાવનારા આંકડા મુજબ, સોફ્ટવેરના મુખ્ય આધારસમાન 'કોર મોડ્યુલ્સ' (જેમ કે નાણાકીય હિસાબ, એસેટ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સિસ વગેરે) માટે કરોડો રૂપિયાના લાઈસન્સ ખરીદીને રૂ. ૮.૬૨ કરોડથી વધુની ચૂકવણી એજન્સીને કરી દેવાઈ હતી, છતાં આ મુખ્ય મોડ્યુલ્સ કાર્યરત જ થઈ શક્યા નહોતા. આ ઉપરાંત, એસએપી (SAP) કંપનીને વાર્ષિક રૂ. ૪૯.૫૪ લાખ મુજબ ચૂકવવાની થતી એન્યુઅલ ટેકનિકલ સપોર્ટ (ATS) ફી સમયસર ન ચૂકવાતાં રૂ. ૨.૪૭ કરોડથી વધુનું બાકી લેણું ભેગું થયું હતું. સમયસર ચૂકવણી ન થવાના કારણે કોવિડ સમયે કંપની દ્વારા આપેલી ૫૦ ટકા ફી માફી (રૂ. ૨૪.૭૭ લાખ) નો લાભ પણ તંત્રએ ગુમાવ્યો હતો.
દસ્તાવેજી તપાસમાં વધુ એક મોટી ક્ષતિ એ સામે આવી હતી કે, 'ઓટોમેટિક બિલ્ડિંગ પ્લાન અને ડ્રોઈંગ અપ્રૂવલ' મોડ્યુલ માટે રૂ. ૧.૧૩ કરોડના ખર્ચે ખરીદેલા ૫ લાઈસન્સ પાછળથી રદ (Descope) કરી દેવાતાં ફંડ સદંતર વેડફાઈ ગયું હતું. તેમજ રૂ. ૨૩.૬૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલી ઈઆરપી મોબાઈલ એપ્લિકેશન પણ વપરાશમાં ન લેવાતાં સરકારી નાણાંનો વ્યય થયો હતો. એટલું જ નહીં, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) તરીકે પીડબલ્યુસી (PwC) અને જીઆઈપીએલ (GIPL) બંને એજન્સીઓને કુલ ૩ ટકા રકમ ચૂકવીને રૂ. ૩૨.૦૬ લાખથી વધુનો વધારાનો આર્થિક બોજ તિજોરી પર નાખવામાં આવ્યો હતો.
આ સમગ્ર નાણાકીય અને વહીવટી સમીક્ષાના સરકારી ફાઈલો અને દસ્તાવેજો મુજબ, ઈઆરપી સોફ્ટવેરના કુલ ૧૬,૨૦૭ લાઈસન્સમાંથી મોટી સંખ્યામાં લાઈસન્સનો ઉપયોગ જ ન થવો, આયોજન વગર ખર્ચાઓ કરવા અને ટેન્ડરની મૂળ કિંમતમાં અધધ વધારો કરી દેવો તે તંત્રની ગંભીર નીતિગત અને અમલીકરણની ખામીઓ છતી કરે છે.
નિયમોનું ઉલ્લંઘન
સરકારી નાણાકીય નિયમો અને સ્માર્ટ સિટી મિશનના દિશાનિર્દેશો મુજબ, કોઈપણ મોટા પ્રોજેક્ટને મંજૂરી આપતા પહેલા તેનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (DPR) તૈયાર કરવો ફરજિયાત છે. ડીપીઆર વિના આરએફપી (RFP) પ્રસિદ્ધ કરવી, અંદાજિત કિંમત કરતાં ૧૧૩ ટકાથી વધુ કિંમતે કોન્ટ્રાક્ટ આપી દેવો, કરાર મુજબ સમયસર સપોર્ટ ફી ન ચૂકવીને મળવાપાત્ર નાણાકીય ડિસ્કાઉન્ટ જતું કરવું અને કન્સલ્ટન્ટ ફી પેટે નિયમો કરતાં વધુ ટકાવારી ચૂકવવી તે વહીવટી શિસ્ત અને નાણાકીય જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન સાબિત કરે છે.
તંત્રનો લૂલો બચાવ
ઓડિટના સવાલો સામે વડોદરા સ્માર્ટ સિટી કંપની (VSCDL) એ લેખિત જવાબો રજૂ કરીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. તંત્રનો દાવો હતો કે, ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ વખત પ્રયાસો કરાયા હતા. ૧૬,૦૦૦થી વધુ વધારાના લાઈસન્સ, નવો સ્કોપ, મોડ્યુલ્સમાં સુધારા અને હાર્ડવેર મેન્ટેનન્સ ઉમેરાવાને કારણે પ્રોજેક્ટ ખર્ચ વધીને રૂ. ૨૯ કરોડ થયો હતો. કોર મોડ્યુલ્સ શરૂ ન થવા પાછળ કોવિડ મહામારીને જવાબદાર ગણાવી હતી અને સિસ્ટમ લાઈવ ન થાય ત્યાં સુધી એટીએસ ફી ન ચૂકવવાનો વહીવટી રાગ આલાપ્યો હતો. બિલ્ડિંગ પ્લાન મોડ્યુલ રદ કરવા પાછળ રાજ્ય સરકારની 'ODPS' સિસ્ટમ અમલમાં આવી હોવાનું કારણ આપ્યું હતું, જ્યારે ૧૬ નોન-કોર મોડ્યુલ્સમાંથી કરોડોની આવક થઈ હોવાનો અને બંને કન્સલ્ટન્ટ્સ રાખવાથી કામગીરી સુચારૂ થઈ હોવાનો દાવો કરીને સત્તાધીશોએ પોતાની ભૂલો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતની અસ્મિતાના સવાલો
૧. મૂળ અંદાજિત ખર્ચ રૂ. ૧૩.૬૨ કરોડ હોવા છતાં કયા વહીવટી આકાઓના ઈશારે ડીપીઆર વગર જ રૂ. ૨૯.૦૮ કરોડનો મસમોટો કોન્ટ્રાક્ટ મંજૂર કરી દેવામાં આવ્યો?
૨. સોફ્ટવેરના મુખ્ય આધારસમાન 'કોર મોડ્યુલ્સ' પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા પછી પણ જો સિસ્ટમ ચાલુ જ ન થઈ શકી, તો તેના માટે જવાબદાર આયોજકો સામે કાર્યવાહી કેમ ન કરાઈ?
૩. સમયસર એટીએસ (ATS) ફી ન ચૂકવીને લાઈસન્સ રદ થવાના આરે પહોંચાડનારા અને કોવિડ સમયની ૨૪.૭૭ લાખની ફી માફીનો લાભ ગુમાવનારા અધિકારીઓ પાસેથી આ નુકસાનની વસૂલાત થશે ખરી?
૪. રાજ્ય સરકારની બીજી સિસ્ટમ આવવાના કારણે રૂ. ૧.૧૩ કરોડના બિલ્ડિંગ પ્લાનના લાઈસન્સ અને રૂ. ૨૩.૬૦ લાખની મોબાઈલ એપ ધૂળ ખાતી થઈ ગઈ, આ રીતે પ્રજાના નાણાંનો ધુમાડો કરવા માટે કોણ જવાબદાર?
૫. નિયમ મુજબ કન્સલ્ટન્સી ફી ૨.૩૩ ટકા ચૂકવવાની હતી તો પછી બે-બે એજન્સીઓ બેસાડીને ૩ ટકા લેખે વધારાના લાખો રૂપિયા ચૂકવી કોને આર્થિક ફાયદો પહોંચાડવામાં આવ્યો
સ્માર્ટ સિટીના આ ERP પ્રોજેક્ટ અંતર્ગત થયેલા મુખ્ય આંકડાકીય ખર્ચ આ મુજબ છે:
* મૂળ ટેન્ડર મંજૂર રકમ (કોન્ટ્રાક્ટ મૂલ્ય): મૂળ અંદાજિત ખર્ચ ₹૧૩.૬૨ કરોડ હતો, પરંતુ આખરે વાટાઘાટોના અંતે ₹૨૯.૦૮ કરોડ (₹૨૯,૦૮,૩૨,૯૫૦/-) માં કામગીરી સોંપવામાં આવી હતી.
* લાઈસન્સ પોર્ટલ પેમેન્ટ: સોફ્ટવેર લાઈસન્સ અને કોર મોડ્યુલ્સ પેટે ₹૮.૬૨ કરોડથી વધુ ચૂકવાયા હતા.
* એન્યુઅલ ટેકનિકલ સપોર્ટ (ATS) પેન્ડિંગ ફી: SAP કંપનીનું વાર્ષિક ₹૪૯.૫૪ લાખ લેખે ₹૨.૪૭ કરોડ થી વધુનું બાકી લેણું ઊભું થયું હતું.
* બિલ્ડિંગ પ્લાન લાઈસન્સ (વેડફાયેલ ખર્ચ): ₹૧.૧૩ કરોડ.
* ઈઆરપી મોબાઈલ એપ (બિનઉપયોગી): ₹૨૩.૬૦ લાખ.
* કન્સલ્ટન્સી ફી (PwC & GIPL): ₹૩૨.૦૬ લાખથી વધુ.
સરકારી રેકોર્ડ અને ઓડિટ મેમો મુજબ પ્રોજેક્ટનો કુલ મંજૂર થયેલો નાણાકીય આંકડો ₹૨૯.૦૮ કરોડ નો છે.
શું હતો આ ERP પ્રોજેક્ટ?
ERP એટલે કે 'એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ' (Enterprise Resource Planning). સાદા શબ્દોમાં કહીએ તો, આ એક એવો 'ઓલ-ઈન-વન' ડિજિટલ સોફ્ટવેર પ્રોજેક્ટ હતો, જેના દ્વારા મહાનગરપાલિકાના તમામ સરકારી વિભાગોને કમ્પ્યુટર અને ઈન્ટરનેટથી એકબીજા સાથે જોડી દેવાના હતા.
આ પ્રોજેક્ટનો મુખ્ય આશય એવો હતો કે, નાગરિકોને જન્મ-મરણના દાખલા, પ્રોપર્ટી ટેક્સ, લગ્ન નોંધણી, વ્યાવસાયિક વેરો, બાંધકામની મંજૂરીઓ, સ્ટેડિયમ કે ટાઉનહોલનું બુકિંગ અને ફાયર બ્રિગેડ જેવી તમામ સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ઘરે બેઠા એક જ સિસ્ટમથી કામ થઈ જાય. સાથે જ, પાલિકાના પોતાના નાણાકીય હિસાબો, મિલકતોની જાળવણી (Asset Management) અને કર્મચારીઓના પગાર તથા વહીવટની તમામ વિગતો પણ આ જ એક ડિજિટલ સોફ્ટવેરથી પારદર્શક રીતે ચાલવાની હતી.
Reporter: admin







