News Portal...

Breaking News :

ગાયકવાડીનગરીને સાચવી ના શકે તેવા સનદી અધિકારી અમને જોઈતા નથી.

2026-07-27 11:31:17
ગાયકવાડીનગરીને સાચવી ના શકે તેવા સનદી અધિકારી અમને જોઈતા નથી.

વડોદરા શહેરના રસ્તાઓ આજે એટલી હદે બિસ્માર અને દયનીય હાલતમાં પહોંચી ગયા છે કે આખા શહેરમાં જાણે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે, તે ઓળખવું પણ મુશ્કેલ બની ગયું છે. આ લાલિયાવાડી અને ભ્રષ્ટ વહીવટ માટે વડોદરા મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર સીધેસીધું જવાબદાર છે. શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા અપ્સરા કોમ્પ્લેક્સ પાસેના મુખ્ય રોડ પર તેમજ ગાજરવાડી વાડી ટાંકી પાસેના રસ્તા પર એવા ભયાનક અને મોતના કૂવા જેવા ખાડા પડી ગયા છે કે રોજ હજારો વાહનચાલકો પોતાનો જીવ હથેળીમાં મૂકીને પસાર થવા મજબૂર બન્યા છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, વરસાદ તો માત્ર બહાનું છે, પરંતુ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરવામાં આવતું તકલાદી રોડ કામ જ આ દુર્દશાનું મુખ્ય કારણ છે. ચોમાસામાં સામાન્ય વરસાદ પડતાં જ અપ્સરા કોમ્પ્લેક્સ અને ગાજરવાડી વાડી ટાંકી પાસેના રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઊંડા ખાડાઓ દેખાતા નથી અને દ્વિચક્રી વાહનચાલકો સતત સ્લિપ થઈને પડી રહ્યા છે તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

સ્થાનિક વેપારીઓ અને રહીશોએ આ અંગે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને અધિકારીઓ આંખ આડા કાન કરીને કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.  

જનતા પાસેથી પૂરેપૂરો ટેક્સ વસૂલતું વડોદરા મહાનગરપાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધા સમાન સારો રસ્તો પણ આપી શકતું નથી, જે અત્યંત શરમજનક બાબત છે. આ ખાડાઓના કારણે રોજ કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાય છે, ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે અને વાહનોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. પરંતુ પ્રજાના પૈસે જલસા કરતા કોર્પોરેશનના નેતાઓ અને અધિકારીઓને જનતાની આ યાતનાઓ દેખાતી નથી.

રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ સો ગણું વધી જાય છે અને ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ તથા વૃદ્ધો માટે આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. વડોદરાના ખૂણે-ખૂણે આવેલા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ગાજરવાડી તથા પ્રતાપનગરના આ મુખ્ય માર્ગો તંત્રની સંપૂર્ણ નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યા છે.
માત્ર કાગળ પર પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવા કરતી કોર્પોરેશને રસ્તાના સમારકામના નામે કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે, પરંતુ તે તમામ નાણાં અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં સરકી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પ્રજા હવે તંત્રના આ અસંવેદનશીલ અને નિષ્ક્રિય રવૈયાથી કંટાળી ચૂકી છે અને ગાજરવાડી તથા પ્રતાપનગરના રહીશોમાં ભારે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતાપનગર અપ્સરા કોમ્પ્લેક્સ પાસેના રોડ અને ગાજરવાડી વાડી ટાંકી પાસેના મોતના ફાંદ જેવા ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય અને મજબૂત રિપેરિંગ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા કોર્પોરેશનની કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે. જો આ ખાડાઓના કારણે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે, તો તેની સંપૂર્ણ અને સીધી જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની રહેશે. 

બિસ્માર રસ્તા અને ખાડા રાજ સામે રોડ વિભાગના અધિકારી ધાર્મિક દવે નિષ્ફળ...


વડોદરા શહેરમાં ચારેય તરફ રસ્તાઓ પર પડેલા ભયાનક ખાડાઓએ પ્રજાનું જીવવું હરામ કરી નાખ્યું છે. ત્યારે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગંભીર બેદરકારી સામે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. શહેરના ખૂણે-ખૂણે ધોવાઈ ગયેલા રસ્તાઓ અને મોતના કૂવા જેવા ખાડાઓ માટે સૌથી પહેલી જવાબદારી રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેની આવે છે, કારણ કે તેમની સીધી જવાબદારીમાં આ તમામ રોડ નિર્માણ અને જાળવણીના કામો થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ધાર્મિક દવે નબળું કામ કરનારા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કડક હાથે કાર્યવાહી કરીને તેમને નોટિસ આપશે કે પછી તેમને બ્લેકલિસ્ટ કરવાની હિંમત દાખવશે?

ધાર્મિક દવે દ્વારા ભૂતકાળમાં શું કામગીરી કરવામાં આવી છે અને હાલ રસ્તાઓની જે દયનીય સ્થિતિ સર્જાઈ છે તેનું મ્યુનિસિપલ કમિશનર જાતે નિરીક્ષણ અને સુપરવિઝન કરશે કે પછી પોતાના સ્વભાવ મુજબ બધું જ લોલમલોલ ચલાવીને અધિકારીઓને છાવરવાનું કામ કરશે, તે હવે જોવાનું રહેશે.

વડોદરાના પ્રથમ નાગરિક અને પ્રજાના મુખ્ય પ્રતિનિધિ તરીકે મેયર ગીતા મકવાણાની ભૂમિકા પણ આ મામલે અત્યંત મહત્વની બની જાય છે. ભલે આ તમામ બિસ્માર રસ્તાઓનું નિર્માણ તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન ન થયું હોય, પરંતુ આજે આખા શહેરમાં પડેલા ખાડાઓથી પ્રજા પીડાઈ રહી છે, તે સત્યથી તેઓ પણ અજાણ નથી. ત્યારે એક જવાબદાર નેતા તરીકે મેયર ગીતા મકવાણા નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરો કે બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાવશે કે કેમ, તે મોટો પ્રશ્ન છે.

શું મેયર પોતે મ્યુનિસિપલ કમિશનરને સીધો સવાલ પૂછશે કે, તમે કેવા અધિકારીઓ પાસે શહેરના વિકાસના કામો કરાવો છો, જેમના રાજમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય છે?
વડોદરામાં જે રીતે રસ્તાઓ તૂટી રહ્યા છે, તેમાં પ્રાથમિક જવાબદારી કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેની, તે પછી વહીવટી વડા તરીકે મ્યુનિસિપલ કમિશનરની અને પ્રજા પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે મેયર ગીતા મકવાણાની બને છે. જો આ તમામ જવાબદારો ભેગા મળીને નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે દાખલારૂપ પગલાં નહીં ભરે, તો વડોદરાની જનતા કાગળ પરના પોકળ દાવાઓને ફગાવીને આગામી દિવસોમાં આ ભ્રષ્ટ તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડવા મજબૂર બનશે.

Reporter: admin

Related Post