News Portal...

Breaking News :

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આવતી કરોડોની સ્માર્ટ સિટી ગ્રાંટનો આડેધડ "વહીવટ"

2026-07-14 10:52:38
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આવતી કરોડોની સ્માર્ટ સિટી ગ્રાંટનો આડેધડ

વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની કિંમતી જમીનોને દબાણોથી મુક્ત રાખવા માટે ૨૯ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૯મી બેઠકમાં ઓટોમેટેડ લેન્ડ એનક્રોચમેન્ટ પ્રિવેન્શન સિસ્ટમ (ALEPS) પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સીસીટીવી કેમેરા, એજ એનાલિટિક્સ અને સેન્ટ્રલ મોનિટરિંગ પ્લેટફોર્મ દ્વારા પ્લોટ પર થતા ગેરકાયદેસર દબાણોને ઓટોમેટિક શોધીને તાત્કાલિક અધિકારીઓને એલર્ટ મોકલવાનો હતો. શરૂઆતમાં આ પ્રોજેક્ટ અંદાજે ૫ કરોડના ખર્ચે પ્રપોઝ કરાયો હતો, જે મૂળ સ્માર્ટ સિટી પ્રપોઝલનો હિસ્સો જ નહોતો. ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આ કામ દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમિટેડને અંદાજે ૩.૭૭ કરોડ રૂપિયામાં સોંપવામાં આવ્યું હતું. ત્રણ અલગ-અલગ તબક્કામાં આપેલા રિકવેસ્ટ ઓર્ડર હેઠળ કામગીરી કરીને આ પ્રોજેક્ટ ૮ જાન્યુઆરી ૨૦૨૦થી ૧૬ માર્ચ ૨૦૨૩ વચ્ચે લાઈવ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં પ્રજાના ટેક્સના કુલ ૩.૦૩ કરોડ રૂપિયા ચૂકવી દેવાયા હતા.


કરોડો રૂપિયાનાં આ આંધણ પછી જ્યારે સત્તાવાર દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે આ આખો પ્રોજેક્ટ વહીવટી સ્તરે ખામીયુક્ત સાબિત થયો હોવાનું સામે આવ્યું હતું. ડીપીઆરના મૂળ આયોજન મુજબ પાલિકાના સંવેદનશીલ ૬૫ પ્લોટ પર આ હાઈટેક ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાના હતા, પરંતુ વાસ્તવિકતા એ હતી કે નિર્ધારિત સમયમર્યાદા કરતાં સાત મહિનાથી વધુનો મોટો વિલંબ કરીને આ સિસ્ટમ માત્ર ૬૦ પ્લોટ પર જ ઈન્સ્ટોલ કરી શકાઈ હતી. આટલો મોટો વહીવટી વિલંબ થયો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સી પર કોઈ પણ પ્રકારનો દંડ કે પેનલ્ટી લાદવામાં આવી નહોતી.


આ આંતરિક તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે, આ કરોડોના પ્રોજેક્ટના ભવિષ્યના સંચાલન (O&M) અને લાઈટ બિલના ખર્ચને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પાસે કોઈ ચોક્કસ કે કાયમી આવકનું મોડેલ (Revenue Model) જ તૈયાર નહોતું. કાયમી આવકની કોઈ જ વ્યવસ્થા ઊભી કર્યા વિના જ વીજળી બિલ પેટે જુલાઈ ૨૦૨૩ સુધીમાં ૬.૩૫ લાખ રૂપિયાથી વધુની ચૂકવણીઓ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, જમીનની વાસ્તવિક સ્થિતિ અને કાગળ પરના રેકોર્ડ વચ્ચે ભારે વિસંગતતા હોવાના કારણે કિંમતી પ્લોટની ઓળખ કરવામાં જ લાંબો સમય વેડફાયો હતો, જે આયોજકોની વહીવટી ક્ષમતા સામે સવાલો ઊભા કરે છે.

 કોન્ટ્રાક્ટરને છૂટ, તંત્ર મૌન
નાણાકીય અને વહીવટી સમીક્ષાના સત્તાવાર દસ્તાવેજો મુજબ, પ્રોજેક્ટમાં કેપિટલ એક્સપેન્ડિચર (CAPEX) પેટે ૨.૬૩ કરોડ રૂપિયા અને ઓપરેશન તથા મેન્ટેનન્સ (O&M) પેટે ૪૦.૬૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ૬૫ના બદલે ઓછી જગ્યાઓ પર સિસ્ટમ લગાવીને મૂળ આયોજન સાથે બાંધછોડ કરાઈ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને નિયમિત ચૂકવણીઓ થતી રહી હતી. કરોડો રૂપિયાના આ આંધણ પછી પણ વહીવટી શિથિલતાની પરાકાષ્ઠા શું એ વાતથી સાબિત નથી થતું કે, સમગ્ર પ્રોજેક્ટમાં નિયમો અને શરતોને નેવે મૂકીને માત્ર ખાનગી એજન્સીઓને જ છાવરવામાં આવી રહી હતી. કાગળ પર દબાણો રોકવાના બણગાં ફૂંકતું તંત્ર શું ગેરરીતિઓની ફાઈલો પર આયોજનપૂર્વક પડદો પાડી રહ્યું હતું? તેવા અનેક વહીવટી વળાંકો આ સમીક્ષા દરમિયાન સ્પષ્ટપણે બહાર આવ્યા હતા

નિયમોનું ઉલ્લંઘન


સરકારી માર્ગદર્શિકા અને પ્રોજેક્ટના મૂળ કરારના નિયમો અનુસાર, કોઈપણ ટેન્ડર પ્રક્રિયામાં નિર્ધારિત સમય કરતાં વિલંબ થાય ત્યારે લિક્વિડેટેડ ડેમેજીસ અથવા પેનલ્ટી વસૂલવાની કડક જોગવાઈઓ હોય છે. આ પ્રોજેક્ટમાં ૬૫ ના બદલે ઓછી જગ્યાઓ પર સિસ્ટમ લગાવીને મૂળ આયોજન સાથે બાંધછોડ કરવી, લાંબા સમય સુધી પ્રોજેક્ટનું કામ લંબાયું હોવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈપણ દંડ વગર મુક્તિ આપવી અને ભવિષ્યના આર્થિક ભારણને વહન કરવા માટેની કોઈ સસ્ટિનેબલ આવકની વ્યવસ્થા ઊભી કર્યા વિના જ જાહેર નાણાંનો વ્યય કરવો તે સરકારી વહીવટી શિસ્ત અને નાણાકીય નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે.


તંત્રનો લૂલો બચાવ


સમગ્ર મામલાની દસ્તાવેજી સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે, વડોદરા સ્માર્ટ સિટી કંપનીએ ઓડિટના આ સવાલો સામે વહીવટી મર્યાદાઓ અને કુદરતી પરિબળોને આગળ ધરીને પોતાનો પક્ષ રાખ્યો હતો. તંત્રનો એવો તર્ક હતો કે પ્લોટના કદ અંદાજ કરતાં ખૂબ મોટા હોવાથી ૬ પ્લોટ પર બે પોલ અને વધુ કેમેરા લગાવવા પડ્યા હતા, જેથી સાધનોનો જથ્થો ટેન્ડર મુજબ જ વપરાયો હતો. પ્રોજેક્ટમાં વિલંબ થવા પાછળ સિસ્ટમ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનમાં થયેલા સુધારા, જમીનના રેકોર્ડ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેની વિસંગતતાના કારણે પ્લોટની પસંદગીમાં લાગેલો સમય, વીજ કનેક્શન મળવામાં થયેલો વિલંબ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ જવાબદાર હોવાથી કોન્ટ્રાક્ટરને દંડ કરવામાં આવ્યો નહોતો. જ્યારે કાયમી આવક માટે સ્માર્ટ સિટી દ્વારા પ્લોટને પેઇડ પાર્કિંગમાં ફેરવવાનો પ્રસ્તાવ હોવાનું કહીને લૂલો બચાવ કરાયો હતો.


ગુજરાતની અસ્મિતાના સવાલો


૧. પ્રજાના ૩ કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા પછી પણ જો નિર્ધારિત ૬૫ના બદલે માત્ર ૬૦ પ્લોટ પર જ આઈટી આધારિત પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો હોય, તો અધૂરા આયોજન માટે જવાબદાર બાબુઓ સામે શું પગલાં લેવાશે?


૨. પ્રોજેક્ટના અમલીકરણમાં સાત મહિના કરતાં વધુ સમયનો મોટો વહીવટી વિલંબ થયો હોવા છતાં, ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સી પર કોઈપણ પ્રકારની પેનલ્ટી લગાવ્યા વગર ક્લીન ચિટ આપીને કોને ફાયદો કરાવાયો?


૩. આખા શહેરમાં પાલિકાના હજારો પ્લોટ હોવા છતાં કાગળ પરના રેકોર્ડ અને જમીનની વાસ્તવિક પરિસ્થિતિ ચકાસ્યા વિના જ ટેન્ડરની શરતો નક્કી કરનાર આયોજકોની વહીવટી ક્ષમતા સામે સવાલો કેમ ન ઉઠે?


૪. કરોડો રૂપિયાના ખર્ચે કેમેરા લગાવી દીધા પછી પણ જો ભવિષ્યના મેન્ટેનન્સ અને લાઈટ બિલની ચૂકવણી માટે કોઈ કાયમી રેવન્યુ મોડેલ જ તૈયાર ન હોય, તો આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં પાલિકાની તિજોરી પર સફેદ હાથી સમાન સાબિત નહીં થાય?


૫. આ કરોડોના પ્રોજેક્ટ થકી અત્યાર સુધી શહેરમાંથી કેટલાં ગેરકાયદે દબાણો કાયમી ધોરણે દૂર કરી શકાયા અને ખરેખર જમીન સુરક્ષાનો હેતુ કેટલા અંશે સિદ્ધ થયો તેનો કોઈ ચોક્કસ આંકડો વહીવટી તંત્ર પાસે કેમ નથી?

Reporter: admin

Related Post