News Portal...

Breaking News :

ભાજપાના ઉમેદવાર સતિષભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ

2026-07-14 10:47:40
ભાજપાના ઉમેદવાર સતિષભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ

આગામી 30 જુલાઈએ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાનને કારણે યોજાનારી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર સતિષભાઈ પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય "શારણ્ય રેસિડેન્સી", માંજલપુર તુલસીધામ જી.આઇ.ડી.સી. રોડ ખાતે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ જાહેર સભા સાથે ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરાયો.

શુભારંભ પ્રસંગે રાજ્યમંત્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશભાઈ સોની, પ્રદેશ પ્રભારી નીતિનભાઈ ભજીયાવાળા, સાંસદ ડો. હેમાંગ જોશી, મેયર ગીતાબેન મકવાણા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં આવકાર પ્રવચન કરતા શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશભાઈ સોનીએ સ્વ. યોગેશભાઈ પટેલે માંજલપુર વિસ્તારમાં સેવાભાવ અને કર્મભાવથી કરેલા કાર્યોને યાદ કર્યા હતા અને તેમની વિકાસ પરંપરા જાળવી રાખવા પાર્ટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સભામંડપમાં સ્વ. યોગેશભાઈ પટેલની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિધાનસભાના સત્ર દરમિયાન યોગેશભાઈ પટેલ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે જણાવ્યું કે યોગેશભાઈ પટેલ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભામાં મક્કમતાથી અવાજ ઉઠાવતા હતા. નવનિર્માણ આંદોલનથી જાહેર જીવનની શરૂઆત કરીને તેમણે પોતાના પુરુષાર્થથી પ્રજામાં આગવી ઓળખ બનાવી અને આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમની ખાલી પડેલી બેઠક માટે ભાજપાએ સંગઠન અને વહીવટી તંત્રનો લાંબો અનુભવ ધરાવતા સતિષભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, જે માંજલપુરની વિકાસયાત્રાને આગળ વધારશે. તેમણે ભાજપાને વિજયી બનાવવાનું આહ્વાન કર્યું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી રમણભાઈ સોલંકી અને પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે પણ સ્વ. યોગેશભાઈ પટેલના કાર્યોને યાદ કરીને ભાજપાના ઉમેદવારને વિજયી બનાવવાની અપીલ કરી.


 સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે સ્વ. યોગેશભાઈ પટેલ ધર્મપ્રેમી હતા અને શિવ મંદિરોના જીર્ણોદ્ધાર તેમજ વિવિધ ધાર્મિક આયોજનોમાં હંમેશા અગ્રેસર રહી અનેક લોકોને પ્રેરણા આપતા રહ્યા હતા.

 ઉમેદવાર સતિષભાઈ પટેલે સ્વ. યોગેશભાઈ પટેલના વિકાસકાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરીને કાર્યકરો અને માંજલપુરની જનતાને ભાજપાને આશીર્વાદ આપવા અનુરોધ કર્યો હતો.

Reporter: admin

Related Post