News Portal...

Breaking News :

પાલિકાના પાપે કૌભાંડી વિનાયક લોજિસ્ટિક અને શક્તિ ટ્રાવેલ્સને છાવરતી કોર્પોરેશન.

2026-07-14 10:42:10
પાલિકાના પાપે કૌભાંડી વિનાયક લોજિસ્ટિક અને શક્તિ ટ્રાવેલ્સને છાવરતી કોર્પોરેશન.

વડોદરા કોર્પોરેશનમાં બેઠેલા અણઘડ અને ભ્રષ્ટ સત્તાધીશોની રહેમનજર હેઠળ પ્રજાની સુવિધાના નામે કરોડો રૂપિયાની લૂંટફાટનો ખેલ ખેલાઈ રહ્યો છે. વડોદરાની ભોળી જનતા રસ્તા પર સિટી બસોની રાહ જોઈને તરસતી રહે છે અને પાલિકાના આશીર્વાદથી કૌભાંડી કોન્ટ્રાક્ટરો ઓછા રૂટ પર ઓછી બસો દોડાવીને જનતાના ટેક્સના કરોડો રૂપિયા ઓહિયા કરી રહ્યા છે. અગાઉ આ 'વિટકોસ' કંપનીને લાખોનો દંડ ફટકારીને સંતોષ માની લેનારી પાલિકા આજે પણ માત્ર નોટિસો આપીને જનતાની આંખમાં ધૂળ નાખવાનું નાટક કરી રહી છે.


આ સમગ્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે હવે પાલિકાના કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાએ એવું નિવેદન આપ્યું છે કે તપાસ ચાલુ થઈ છે અને વિનાયક કંપનીને નોટિસ આપીને મંગળવાર સુધીનો ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સિવાય શક્તિ ટ્રાવેલ્સ અને રૂટ મંજૂરી બાબતે RTO અને GSRTCને મેઈલ કરીને જણાવાયું છે. પરંતુ મોટો સવાલ એ છે કે પાલિકાના આ અધિકારીઓ કૌભાંડ પકડાયા પછી પણ ગુનેગારોની ભૂતિયા કંપનીની રસીદ બુક અને અસલ ચોપડાં કેમ જપ્ત નથી કર્યા? શું પુરાવા સગેવગે કરવા માટે આ સમય આપવામાં આવી રહ્યો છે? 

સૌથી મોટો અને ગંભીર ભ્રષ્ટાચાર એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની બહાર જઈને બસ સર્વિસ ચલાવવા માટે કોઈ ત્રીજા જ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કઈ શરતો પર મંજૂરી આપી દેવામાં આવી? જો મંજૂરી આપી છે, તો તે કયા કયા રૂટ માટે અપાઈ છે અને તેની પાછળ કોના ગજવાં ભરાયા છે? જ્યારે શરૂઆતમાં વિનાયક કંપની સાથે સિટી બસનો MOU કરાર થયો હતો, ત્યારે તેની મૂળ શરતો શું હતી અને પાછળથી પ્રજાનાં ભોગે ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવવા કયા કયા નિયમો બદલી નાખવામાં આવ્યા?


આટલો મોટો ખેલ થઈ ગયો છતાં પાલિકા હજુ સુધી પોલીસમાં સત્તાવાર છેતરપિંડીની FIR દાખલ કેમ નથી કરતી? કૌભાંડ ખુલતાની સાથે જ વિટકોસના ખંભાત અને વડોદરાના બંને સત્તાવાર ફોન નંબર બંધ કરીને સંચાલકો ભાગી ગયા છે, પણ પાલિકાના બાબુઓ હજુ મેઈલ-મેઈલ રમીને સમય બગાડી રહ્યા છે. ઇન્કમ ટેક્સ અને GST વિભાગને મેઈલ કરીને સત્તાવાર જવાબ પૂછવામાં આવ્યો હોવાની વાતો કરીને અધિકારીઓ પોતાની ચામડી બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. પણ વડોદરાની જનતા બરાબર સમજે છે કે વિનાયક અને શક્તિ ટ્રાવેલ્સ વચ્ચેનું કનેક્શન પાલિકાના કમાઉ દીકરાઓ જેવા ભ્રષ્ટ અધિકારીઓ વગર શક્ય જ નથી. પ્રજા હવે આ આળસુ અને મિલીભગતવાળા તંત્ર સામે કાયદેસર અને પાકા પાયે કડક પગલાંની માંગ કરી રહી છે.

 પરવાનગી વગર કરોડોની કમાણી અને ગરીબ કર્મચારીઓ રઝળ્યા


ખંભાતથી વડોદરા અને વડોદરાથી ખંભાત વચ્ચે શક્તિ ટ્રાવેલ્સના 13 જેટલી ટ્રીપ જવાની અને 13 ટ્રીપ પરત આવવાની કોઈપણ કાયદેસરની પરવાનગી વગર ધમધમી રહ્યી હતી. વચ્ચે કયા કયા સ્ટેશન કવર થતા હતા અને તેનું ઉઘરાણું કોની ડાયરીમાં જતું હતું, તે મોટો પ્રશ્ન છે. પાલિકા અને કોન્ટ્રાક્ટરોની પાપલીલા બહાર આવતા જ ખંભાત રૂટની બધી બસો રાતોરાત વેચવા કાઢી હોવાની બજારમાં ચર્ચા છે. જેને કારણે વર્ષોથી કામ કરતા નિર્દોષ ડ્રાઇવર, કંડક્ટર અને અન્ય ગરીબ કર્મચારીઓ અચાનક બેરોજગાર બનીને નવી નોકરીઓ શોધવા ભટકી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ભુતિયા ટ્રીપમાં પાર્સલની હેરાફેરી પેસેન્જર કરતાં પણ વધારે થતી હતી.

Reporter: admin

Related Post