News Portal...

Breaking News :

સજાથી બચવાની દરેક ચાલ નિષ્ફળ; ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

2026-07-27 11:46:06
સજાથી બચવાની દરેક ચાલ નિષ્ફળ; ત્રણ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

વડોદરા શહેરમાં કોર્ટ દ્વારા સજા ફટકારાયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી નાસતો-ફરતો આરોપી આખરે સયાજીગંજ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. કોર્ટના વોરંટના આધારે પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ નોંધાયેલા ફોજદારી કેસમાં દિવાળીપુરા કોર્ટના છઠ્ઠા જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા આરોપી સામે સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જોકે સજા બાદ આરોપી સતત પોલીસથી બચવા માટે છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો.

આ દરમિયાન સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભાવેશ રમેશભાઈ માળી, માંડવી ખાતે આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવવાનો છે. આ માહિતીના આધારે પોલીસે મંદિર વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે તેની ઓળખ ચકાસી હતી. તપાસમાં તે કોર્ટના સજા વોરંટમાં વોન્ટેડ આરોપી ભાવેશ રમેશભાઈ માળી હોવાનું સામે આવતા તેને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીને કોર્ટના વોરંટ મુજબ કસ્ટડીમાં લઈ તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને શોધી કાયદાના હવાલે કરવા માટે સયાજીગંજ પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું.

Reporter: admin

Related Post