વડોદરા : જાંબુઆ બ્રિજ પાસે હાઇવે પર બાઇક જતા યુવકનું અકસ્માતે મોત નિપજ્યું હતું.
આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા રોડ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને પગલે એક તરફનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિકોનો રોષ પારખીને તેઓ પોતાનું વાહન મુકીને જ નાસી છુટ્યા હતા. વડોદરાના જાંબુઆ બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે. અગાઉ અનેક અકસ્માતોની ઘટના સામે આવ્યા બાદ પણ આ સ્પોટને સુરક્ષિત બનાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે અકસ્માતની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે બાઇક પર જતો 22 વર્ષિય કૈલાશ પાસવાન નામના યુવકનું જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતે મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અને તમામે રોડ પર આવીને ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે એક તરફનો રસ્તો બંધ થઇ ગયો હતો.
ઘટના અંગે જાણ થતા જ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. મૃતક નજીકની સોસાયટીનો જ યુવક હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ સ્થળ પર સ્થાનિકોનો રોષ પારખીને પોતાનું વાહન મુકીને જ દોડી ગયા હતા. સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું કે, જે કંપનીને રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેના દ્વારા એક મહિનાથી ખોદીને મુકવામાં આવ્યું છે. જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. હાઇવે ની એક તરફ ચક્કાજામ થવાના કારણે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકો નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને સ્થળ પર બોલાવવાની માંગ સાથે અડગ રહ્યા હતા. અને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો. આ તકે મૃતકના પરિવારને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. અને તેમના આક્રંદને પગલે ગમગીની છવાઇ હતી.
Reporter: admin