News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં ખાડા કોમ્પિટિશનમાં સૌથી અવ્વલ નંબરે વોર્ડ-11 આવ્યું !! અભિનંદન.

2026-07-28 11:16:29
વડોદરા શહેરમાં ખાડા કોમ્પિટિશનમાં સૌથી અવ્વલ નંબરે વોર્ડ-11 આવ્યું !! અભિનંદન.

વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોનસૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ સંપૂર્ણપણે ખૂલી ગઈ છે. માત્ર ત્રણ જ દિવસનાં વરસાદમાં શહેરના તમામ મુખ્ય માર્ગો પર ભયાનક મોટા-મોટા ખાડા તેમજ ભુવા પડી જતાં વડોદરા ફરી એકવાર ‘ભુવાનગરી’માં ફેરવાઈ ગયું છે. જેના લીધે સમગ્ર શહેરમાં ચારેય તરફ રસ્તાઓ પર પડેલા મોતના કુવા જેવા ખાડાઓએ સામાન્ય પ્રજાનું જીવવું હરામ કરી નાખ્યું છે.
ખાસ કરીને વોર્ડ નંબર 14માં આવેલા માંડવીથી પાણીગેટ મેન રોડ ઉપર તો ખાડાઓનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે,જ્યાંથી પસાર થતી વખતે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
જો કોઈને ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ જોવી હોય તો જેતલપુર ગરનાળામાં આવીને જોઈ શકે છે, જ્યાં ગરનાળાના રસ્તાઓ અત્યંત ઉબડખાબડ બની જતાં ગાડીઓ ઉછળતી જોવા મળી રહી છે. આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને નીચે પડેલા ખાડાઓ દેખાતા નથી, જેના લીધે અકસ્માતનો સતત ભય તોળાઈ રહ્યો છે.
આ ઉપરાંત અલકાપુરી રેલવે સ્ટેશન ગરનાળા પાસે પણ બિસ્માર ખાડા પડી ગયા છે. આંબેડકર સર્કલથી રેલવે સ્ટેશન ગરનાળા તરફ જવાના મુખ્ય રસ્તાની વચ્ચોવચ પડેલા મોટા ખાડાને કારણે વાહનચાલકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કામ કરવાને બદલે માત્ર બેરિકેટિંગ કરીને જ સંતોષ માનવામાં આવ્યો છે.
દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ ધોવાઈ જવાની આ પરિસ્થિતિ રોડ કન્સ્ટ્રક્શનની અત્યંત હલકી ગુણવત્તા અને તેમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ મોટા પ્રશ્નાર્થો ઊભા કરે છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં તો છેલ્લા કેટલાક મહિનાઓથી ખોદેલા ખાડાઓનું યોગ્ય પુરાણ પણ કરવામાં આવ્યું નથી. વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર પાસે તમામ બિસ્માર માર્ગોની વિગતો હોવા છતાં, નાગરિકોને પ્રાથમિક અને સલામત રસ્તાની સુવિધા આપવામાં તંત્ર સાવ નિષ્ફળ સાબિત થયું હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.
વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવી ઘોર બેદરકારી સામે નાગરિકોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર તંત્રની કામગીરી સામે તીખા કટાક્ષો કરી રહ્યા છે.
શહેરના ખૂણેખૂણે ધોવાઈ ગયેલા રસ્તાઓ માટે સૌથી પહેલી અને સીધી જવાબદારી રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેની આવે છે, કારણ કે તેમની દેખરેખ હેઠળ જ આ તમામ રોડ નિર્માણ અને જાળવણીના કામો થતા હોય છે.
પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું ધાર્મિક દવે નબળું અને હલકી ગુણવત્તાનું કામ કરનારા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કડક હાથે કાર્યવાહી કરીને તેમને નોટિસ પાઠવશે કે પછી તેમને બ્લેકલિસ્ટ કરવાની હિંમત દાખવશે ખરા?
લોકોમાં માંગ ઊઠી રહી છે કે ધાર્મિક દવે જવાબદાર અધિકારી હોવાથી વડોદરામાં જેટલા પણ ખાડા પડેલા છે, તેનું સમારકામ તેમના પગારમાંથી કરાવવું જોઈએ, જેથી કોર્પોરેશનમાં લોલમલોલ ચલાવતા અન્ય અધિકારીઓને કડક અને સ્પષ્ટ સંદેશ જાય.
નાગરિકોનો આક્ષેપ છે કે ધાર્મિક દવે માત્ર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરવાનું કામ કરે છે, કારણ કે જો કોન્ટ્રાક્ટરોને અધિકારીની કડકાઈ અને ઈમાનદારીનો ડર હોત તો તેમણે આવું નબળું કામ કરવાની હિંમત કરી ન હોત.
તેથી જ ધાર્મિક દવે ઉપરાંત ગુણવત્તા વગરના રોડ બનાવનારા તમામ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ તેવી ઉગ્ર માંગ ઊઠી રહી છે.

અલકાપુરી ગરનાળા પાસે ખાડા: વાહનચાલકો હેરાન

અલકાપુરી રેલવે સ્ટેશન ગરનાળા પાસે પડેલા ભયાનક મોટા ખાડાઓના કારણે વાહનચાલકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. રસ્તાની અત્યંત બિસ્માર હાલતને લીધે અહીંથી પસાર થતી વખતે સતત અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. સ્થાનિકોની ઉગ્ર રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય રિપેરિંગ કરવામાં આવતું નથી, જેથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચકલી સર્કલ પાસે કામગીરી: વાહનચાલકો સાવધાન

વડોદરાના ચકલી સર્કલ પાસે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીના કારણે વાહનચાલકોને કોઈ અકસ્માત ન નડે તે માટે પાલિકા તંત્ર દ્વારા "વાહન ધીરે ચલાવો" જેવી ચેતવણી આપતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. રસ્તા પરથી પસાર થતી વખતે વાહનચાલકોને પૂરતી સાવચેતી રાખવા અને વાહનની ગતિ મર્યાદિત રાખવા વિનંતી કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે ચોમાસામાં જ કોર્પોરેશને આ કામગીરી શરૂ કરી છે. ગટર, રોડ સહિતના કામો ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવાના હોય છે, તો આ કામ હજુ કેમ ચાલુ છે તે મોટો સવાલ નાગરિકો કરી રહ્યા છે.

જેતલપુર ગરનાળામાં ખરાબ રસ્તા: અકસ્માતનો ભય

જેતલપુર ગરનાળાના રસ્તાઓ અત્યંત ઉબડખાબડ બની જતાં વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ખાડા દેખાતા નથી, જેનાં કારણે અકસ્માતનો સતત ભય તોળાઈ રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જવાની આ પરિસ્થિતિ રોડ કન્સ્ટ્રક્શનની હલકી ગુણવત્તા અને તેમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

માંડવી-પાણીગેટ રોડ પર ખાડા રાજ: વાહનચાલકો પરેશાન

વડોદરાના વોર્ડ નંબર 14માં આવેલા માંડવીથી પાણીગેટ મેઇન રોડ ઉપર હાલ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. રસ્તાઓની અત્યંત બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાવાનો ભય રહે છે, છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાતાં સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.

સયાજીપુરા માર્ગ પર અકસ્માતનો ખતરો વધ્યો

આજવા હાઈવે પર સયાજીપુરા ગામ પાસેનો મુખ્ય માર્ગ ખાડાઓથી બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન છે. વરસાદી પાણી ભરાવાથી રસ્તાની બાજુ આવેલી ખુલ્લી કાંસ પણ જોખમી બની ગઈ છે. રોડ અને કાંસ વચ્ચેનું અંતર વરસાદ દરમિયાન સમજાતું નથી, જેના કારણે વાહનચાલકો કાંસમાં ખાબકી જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા પુરાણની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ખુલ્લી કાંસ પર સ્લેબ નાખી રસ્તો સુરક્ષિત અને પહોળો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Reporter:

Related Post