News Portal...

Breaking News :

સતીશ પટેલના સમર્થનમાં ભાજપનો શક્તિ પ્રદર્શન, મતદારોને 30 જુલાઈએ મતદાનની અપીલ

2026-07-28 11:09:08
સતીશ પટેલના સમર્થનમાં ભાજપનો શક્તિ પ્રદર્શન, મતદારોને 30 જુલાઈએ મતદાનની અપીલ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપે ઉમેદવાર સતીશ પટેલના સમર્થનમાં ધુઆંધાર પ્રચાર કર્યો હતો. સ્વામિનારાયણ સંતો, મહંતો, કબીર પંથના ધર્મગુરુઓ, નાણામંત્રી કમલેશ પટેલ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના આગેવાનો વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.


માંજલપુર પટેલ વાડી ખાતે યોજાયેલા પટેલ-ક્ષત્રિય સંમેલનને સંબોધતા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, માંજલપુરમાં ભાજપનો વિજય નિશ્ચિત છે અને હવે માત્ર મતદાનની પ્રક્રિયા બાકી છે. તેમણે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રહાર કરતા વિદેશી ફંડથી થતા ધર્માંતરણ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે સજાગ રહેવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ભાજપ માટે રાષ્ટ્રહિત પ્રથમ છે. ભારત વિરોધી તાકતોના અપપ્રચારથી સાવચેત રહી આગામી 30 જુલાઈએ મતદાન દ્વારા જવાબ આપવા તેમણે મતદારોને અપીલ કરી હતી.

નાણામંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય ભારતમાં વિલીનીકરણ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સુતીતાન સ્વામીએ જણાવ્યું હતું કે, સ્નેહ મિલન એટલે પરસ્પરનું મિલન. માંજલપુર ખાતે પટેલ અને ક્ષત્રિય સમાજનું મિલન એકતાનું પ્રતીક છે. રાજકારણ એ સેવા કરવાનો અવસર છે અને રાષ્ટ્રવાદના વિચારને સમર્થન આપવા તેમણે અપીલ કરી હતી.
શહેર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ પટેલ અને ક્ષત્રિય સમાજનું સંયુક્ત સંમેલન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે સનાતન સંસ્કૃતિના જતન માટે એકતાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો.

Reporter:

Related Post