આગામી દિવસોમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર SOG દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોટલ અને ગેસ્ટહાઉસમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા રથયાત્રાના રૂટ અને આસપાસના વિસ્તારોમાં આગોતરા સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે SOGના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીતિયા દ્વારા ચાર અલગ અલગ ટીમો બનાવી એકસાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન હોટલના ગેસ્ટ રજિસ્ટર, રોકાયેલા વ્યક્તિઓના ઓળખપત્રો, CCTV કેમેરાની કામગીરી, જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ હોટલ સંચાલકોને કોઈપણ વ્યક્તિને માન્ય ઓળખપત્ર વગર રૂમ ન આપવા, ગ્રાહકોની સંપૂર્ણ વિગતો નોંધવા અને CCTV સિસ્ટમ સતત કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી હતી.
પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે. રથયાત્રામાં બહારના શહેરો અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને SOG દ્વારા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
Reporter: admin







