News Portal...

Breaking News :

હવે ગુનાખોરી નહીં ચાલે! વડોદરા પોલીસે ચાર કુખ્યાત આરોપીઓને પાસા હેઠળ ધકેલ્યા

2026-07-27 11:51:23
હવે ગુનાખોરી નહીં ચાલે! વડોદરા પોલીસે ચાર કુખ્યાત આરોપીઓને પાસા હેઠળ ધકેલ્યા

વડોદરા શહેરમાં જાહેર વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના આદેશથી ઘરફોડ ચોરી, હથિયારબંધી, મારામારી અને જીવલેણ હુમલા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓને પાસા (PASA) ધારા હેઠળ અટકાયત કરી અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.


પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓમાં વહાબુદ્દીન ઉર્ફે ખાટકી શાહબુદ્દીન શેખ, રામકુમાર રાજુભાઈ ચૌહાણ, વિશાલભાઈ વિજયભાઈ દંતાણી અને કરણબીરસિંઘ સુખબીરસિંઘ સંધુનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, વહાબુદ્દીન શેખ સામે કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો, ફાયરિંગ, મારામારી અને હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જામીન પર છૂટ્યા બાદ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રહેતાં કુંભારવાડા પોલીસે પાસા વોરંટની અમલવારી કરી તેને સુરત મધ્યસ્થ જેલમાં મોકલ્યો છે.
રામકુમાર ચૌહાણ અને વિશાલ દંતાણી સામે ગોરવા તથા ગોત્રી વિસ્તારમાં બંધ મકાનોમાં ઘરફોડ કરી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. બંને આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી અનુક્રમે ભાવનગર અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.

જ્યારે કરણબીરસિંઘ સંધુ સામે છાણી અને ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં તલવારથી હુમલો, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગુનાઓ નોંધાયેલા હતા. છાણી પોલીસે પાસા વોરંટની અમલવારી કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો થાય તે માટે આવી અટકાયતી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

Reporter: admin

Related Post