News Portal...

Breaking News :

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શિક્ષક દિન નિમિતે “શિક્ષક સન્માન સમારોહ “નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

2026-09-05 16:00:55
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શિક્ષક દિન નિમિતે “શિક્ષક સન્માન સમારોહ “નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા ૫ મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસે “શિક્ષક સન્માન સમારોહ “નું  આયોજન પંડિત દિન દયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ડો. મનીષાબેન વકીલ, માનનીય મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્યની ગરીમામય ઉપસ્થિત રહ્યા હતા, અને મુખ્ય વક્તા એવા શ્રી ડો. હેમાંગભાઈ જોશી, માનનીય સાંસદ શ્રી વડોદરા લોકસભા મતવિસ્તાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ડો.  જયપ્રકાશભાઈ સોની, માનનીય પૂર્વ રજીસ્ટર અને શિક્ષણવિધ સેન્ટર યુનિવર્સિટી ઓફ ગુજરાત તથા શ્રીમતી ગીતાબેન મકવાણા માનનીય મેયરશ્રી વડોદરા મહાનગરપાલિકા તથા અતિથિ વિશેષ તરીકે શ્રી સતિષભાઈ પટેલ,  માનનીય ધારાસભ્યશ્રી માંજલપુર વિધાનસભા અને શ્રીઆદિત્ય ભાઈ પટેલ, માનનીય ડેપ્યુટી મેયર અને શ્રીમતી વર્ષાબેન વ્યાસ, માનનીય અધ્યક્ષ શ્રી સ્થાયી સમિતિ અને શ્રીમતી શ્વેતાબેન માછી, માનનીય નેતા શાસક પક્ષ, વડોદરા મહાનગરપાલિકા, શ્રી વિજયભાઈ ચૌહાણ, માનનીય દંડકશ્રી  શાસક પક્ષ, શ્રીમતિ અંજનાબેન ઠક્કર, માનનીય અધ્યક્ષશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા તથા શ્રી ડો.વિપુલભાઈ ભરતિયા, શાસનાધિકારીશ્રી અને અન્ય મહાનુભાવો  હાજર રહ્યા હતા. 

આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.  શ્રીમતિ અંજનાબેન ઠક્કર, માનનીય અધ્યક્ષશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા  દ્વારા  કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કર્યું હતું. અને ઉપસ્થિત  તમામ મહાનુભાવોનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વહીવટી કામગીરીમાં સરળતા અને પારદર્શિતા લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપનું લોન્ચિંગ મનીષાબેન વકીલના હસ્તે “નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપ” નું લોન્ચિંગ કરવામાં આવ્યું.

શ્રી ડો. મનીષાબેન વકીલ, માનનીય મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય મનીષાબેન વકીલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના દિવસે શિક્ષકનું સન્માન થાય એટલે સમાજના ઉત્તમ નિર્માણનું સન્માન થયું તેમ સમજવું જોઈએ. તેમણે  “ONES TEACHER, ALWAYS TEACHER” નો સંદેશ આપતાં શિક્ષકોના સમાજમાં રહેલા કાયમી મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ટેકનોલોજીના યુગમાં પુસ્તકોના મહત્વને પણ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “શિક્ષકનું કામ બાળકમાં રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવાનું છે”

આ પ્રસંગે શ્રી ડો. હેમાંગભાઈ જોશી, માનનીય સાંસદશ્રી એ શિક્ષક ગૌરવ દિવસ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળકો સાથે શિક્ષકનો સંવાદ અર્જુન અને કૃષ્ણ વચ્ચેના સંવાદ જેવો હોવો જોઈએ, જેથી બાળકની શક્તિ, ક્ષમતા અને દિશાને યોગ્ય રીતે ઓળખી શકાય. નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓનું સન્માન.  

મહાનુભાવોના હસ્તે ચોથા વર્ગના નિવૃત્ત કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો તથા નિવૃત્ત બાલવાડી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત શિક્ષક શ્રી કિરીટભાઈ વાઘેલાએ નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોના સન્માન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આભાર વ્યક્ત કરી સમિતિની કામગીરીને બિરદાવી હતી તેમજ તમામ શિક્ષક મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી ડો.  જયપ્રકાશભાઈ સોની, માનનીય પૂર્વ રજીસ્ટર અને શિક્ષણવિધ સેન્ટર યુનિવર્સિટી ઓફ ગુજરાતએ જણાવ્યું હતું કે શિક્ષકની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા બાળકોમાં રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવવાની છે. રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અત્યંત ઊંચી છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શિક્ષક કરે છે. તેમણે જણાવ્યું હતું કે દરેક શિક્ષક શ્રેષ્ઠ હોય છે અને રાષ્ટ્રનિર્માણ માટે સારા નાગરિકો તૈયાર કરવાની જવાબદારી શિક્ષકની છે. મોબાઈલનો સાચી દિશામાં ઉપયોગ થાય તે પણ આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. ચાણક્યના વિચારને ટાંકતાં તેમણે કહ્યું કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા”, શિક્ષક આદર્શ બાળક અને આદર્શ લીડરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શાળાનું સન્માન. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક, આચાર્ય અને શાળાની પસંદગી કરી સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ શાળા: સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, બપોર (રુ.૨૫૦૦૦/-)

શ્રેષ્ઠ આચાર્ય: શ્રી હરેશભાઈ રાઠોડ – પૂજ્ય ડોંગરેજી પ્રાથમિક શાળા(રુ.૧૫૦૦૦/-)

શ્રેષ્ઠ શિક્ષક: અમીતાબેન પટેલ – કવિ દુલાકા પ્રાથમિક શાળા (રુ.૧૧૦૦૦/-)

શ્રેષ્ઠ બાલવાડી :-માણેકરાવ બાલવાડી સયાજીપૂરા (રુ.૯૦૦૦/-)

આ ઉપરાંત  સૌથી વધુ વિધ્યાર્થીઓની હાજરી ધરાવતી પ્રાથમિક શાળા – મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા,  સૌથી વધુ હાજરી  ધરાવતા શિક્ષક (૧) શ્રી પ્રીતિબેન પરમાર (૨) શ્રી પિંકીબેન પટેલ (૩) શ્રી બાળકૃષ્ણ પંડયા, (૪) શ્રી દિપક આચાર્ય (૫) શ્રી વનરાજસિંહ પરમાર અને  શ્રેષ્ઠ સી. આર. સી. કો. ઓર્ડીનેટર  શ્રી ભાર્ગવભાઈ પંડયા, શ્રેષ્ઠ સ્પેશિયલ એજ્યુકેટર શ્રી નિતાબેન ગાંધી, શ્રેષ્ઠ બાળમિત્ર નુસરત મલેક નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સન્માનોમાં Indian Overseas Bank દ્વારા વિશેષ હેમ્પર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રીમતી ગીતાબેન મકવાણા માનનીય મેયરશ્રી વડોદરા મહાનગરપાલિકાએ શિક્ષકોને વંદન કર્યા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકનું સ્થાન માતા-પિતા પછી મોખરે છે. આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છા, વંદન તથા પ્રણામ પાઠવ્યા હતા. તેમણે બાળકોને શાળાએ આવવું ગમે અને ભણવું ગમે તેવું આનંદદાયક વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો. સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે તે આનંદની વાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
શ્રી ડો.વિપુલભાઈ ભરતિયા, માનનીય શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ સિદ્ધિઓ અને કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે હસ્તે “નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપ” નું નિર્માણ કરવામાં આવ્યું છે. CSR ના માધ્યમથી ગણિતની શાળાઓમાં ભૌતિક સુવિધાઓ વધારવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિભા સ્ટુડિયોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તે સમગ્ર સમાજ તથા રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું છે. શાળાઓના વિકાસની ગાથા રજૂ કરતાં તેમણે સમિતિના વહીવટી સ્ટાફની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી અને સમિતિના અનેક જટિલ વહીવટી પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
નિવૃત શિક્ષકશ્રી કિરીટભાઈ વાઘેલા દ્વારા સમિતિની ઉમદા અને ત્વરિત કામગીરીની પ્રંસશા કરી અને નિવૃત શિક્ષકોને ઉચ્ચ સન્માન આપી તેમની કોઈ કામગીરી પેન્ડિંગ નથી તે બદલ  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. તથા તમામ શિક્ષકમિત્રોને શિક્ષકદિન ની શુભેચ્છા પાઠવેલ.
શ્રી પિનાકીનભાઈ પટેલ, માનનીય પ્રમુખશ્રી, વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને શ્રી સુનિલભાઈ પરમાર પ્રમુખશ્રી,  વડોદરા નગર સ્વેચ્છિક પ્રાથમિક શિક્ષક સંઘ એ  સુંદર કાર્યક્રમના આયોજન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરાહના કરી હતી તથા નિવૃત્ત કર્મચારી અને શિક્ષક મિત્રોના સન્માન બદલ તેમજ  શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ અને વહીવટી પ્રશ્નો માટે “નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપ” માટે સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. સારી કામગીરી બદલના વિશિષ્ટ સન્માનની પહેલ શરૂ કરવા બદલ સમિતિનો આભાર માન્યો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને શિક્ષણકર્મીઓનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. “શિક્ષક એટલે રાષ્ટ્રના ભાવિનું ઘડતર કરનાર શિલ્પી” એ ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.  
અંતે શ્રી ધવલભાઈ પટેલ, કેળવણી નિરક્ષક (વહીવટ) એ સૌને ઉપસ્થિત રહેવા બદલ અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર માનવામાં આવ્યો. અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી છૂટા પડ્યા.

Reporter: admin

Related Post