મહેસાણા: મહેસાણાના કડી તાલુકાના સુરજ ગામે આવેલા તળાવમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ગામમાં ચકચાર મચી હતી અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
ઘટનાની જાણ થતાં મહેસાણા મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતદેહોને બહાર કાઢ્યા બાદ જરૂરી કાર્યવાહી માટે કડી પોલીસને સોંપવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા.
ત્રણ યુવાનોના મોતની જાણ થતાં કડી પોલીસ સ્ટેશનના PSI સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. યુવાનો કયા સંજોગોમાં તળાવમાં ડૂબ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એકસાથે ત્રણ યુવાનોના અકાળે મોતથી પરિવારજનો આઘાતમાં છે. દુઃખદ ઘટનાને પગલે સુરજ ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાયો છે.
Reporter: admin







