વડોદરા શહેરમાં કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મકરપુરા પોલીસે અપહરણ અને પોકસોના ગુનામાં આરોપી જયકુમાર ઉર્ફે ભોલુ હિતેશભાઈ વ્યાસને 7 વર્ષની સજા કરાવવામાં સફળતા મેળવી છે. સેશન્સ સ્પેશ્યલ પોકસો કોર્ટ, વડોદરાએ આરોપીને 7 વર્ષની સજા, રૂ.10 હજારનો દંડ તથા ભોગ બનનારને રૂ.3.50 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
16 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે સગીર બાળકી ઘર નજીકની દુકાનેથી ગોળ લઈને પરત ફરી રહી હતી. દરમિયાન THE BURGER TACO શોપ પાસે બેઠેલા આરોપી જયકુમાર ઉર્ફે ભોલુ હિતેશભાઈ વ્યાસે બાળકીનો હાથ પકડી તેને બળજબરીથી પોતાના મકાનના બીજા માળે લઈ ગયો હતો. આરોપીએ બાળકીનું મોઢું દબાવી તેની સાથે છેડતી કરી હતી.
બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે 17 સપ્ટેમ્બરે આરોપી જયકુમાર ઉર્ફે ભોલુની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદન, સ્થળ પંચનામું, FSL રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ અને મોબાઇલ લોકેશન સહિતના પુરાવા એકત્ર કરી 30 ઓક્ટોબર 2025ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી માત્ર 9 મહિના 12 દિવસમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલ પરેશ પટેલની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓના આધારે કોર્ટે 11 ઓગસ્ટ 2026ના રોજ આરોપી જયકુમાર ઉર્ફે ભોલુ હિતેશભાઈ વ્યાસને 7 વર્ષની સજા ફટકારી હતી. સાથે રૂ.10 હજારનો દંડ અને ભોગ બનનારને રૂ.3.50 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
Reporter: admin







