બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારમાં આગ લગાવી નુકસાન કરવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. 11 ઓગસ્ટની રાત્રે આશરે 2:30 વાગ્યે આરોપી દિવ્યાંશુસિંહ ઇલેન્દ્રસિંહ ચૌહાણે ફરિયાદીના ઘરે લોખંડનો સળિયો લઈને પહોંચી તેની માલિકીની ટાટા સફારી કારનો કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ કાર પર પેટ્રોલ છાંટી આગ લગાવી નુકસાન કરી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 326(F) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપીને ઝડપી પાડવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી. ટીમે વિવિધ માનવ અને ટેકનિકલ સ્ત્રોતોની મદદથી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસે આરોપી દિવ્યાંશુસિંહ ઇલેન્દ્રસિંહ ચૌહાણ, હાલ ભાયલી, વડોદરા અને મૂળ બામણગામ, વડોદરાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોરના માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ ટીમે આ કાર્યવાહી કરી હતી.
Reporter: admin







