વડોદરા શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવતા તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સંગમ વિસ્તારની ગોકુલનગર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, ગોકુલનગર સોસાયટીના મકાન નંબર C-14માં રહેતા હેમેન્દ્રભાઈ અગ્રવાલ પરિવાર સાથે ઉજ્જૈન ગયા હતા. આ દરમિયાન 4 ઓગસ્ટના રોજ વહેલી સવારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી અંદાજે છ તોલા સોનાના દાગીના તેમજ રૂ. 1.50 લાખ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી અંદાજે છ તોલા સોનાના દાગીના તેમજ રૂ. 1.50 લાખ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં હેમેન્દ્રભાઈ અગ્રવાલ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા અને સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતા જ પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસના DCP ઝોન-4 એન્ડ્રુ મેકવાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. હવે પોલીસ CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.


Reporter: admin







