વડોદરા,તા.૦૬: રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પર્યાવરણ પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં તાતી જરૂરીયાત છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવા બાયો-ઇનપુટ્સનો ઉપયોગ કરીને જમીનને સજીવ બનાવવાની સાથે પાકનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ૧૫ હેક્ટરમાં સંશોધન ફાર્મ, પંચસ્તરીય અને લક્ષ્યાધિપતી જેવા નવીન ખેતી મોડલ્સ છે આ સાથે અહિ પ્રાકૃતિક કૃષિની ઓળખ સમાન ગીર ગાયોની ગૌશાળા પણ છે. યુનિવર્સિટીના વેટનરી ડોકટર અપૃવ શાહે પ્રાકૃતિક ખેતીમા ગાયોના મહત્વને સમ્જાવતા જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારીત છે. યુનિવર્સિટી ખાતે ૦૮ ગીર ગાય અને ૦૧ પંચમહલ જિલ્લાનું સ્થાનિક ડગરી વંશનો સમાવેશ થાય છે. આ ૦૯ ગૌવંશના ગોબર અને ગૌ મુત્રનો ઉપયોગ યુનિવર્સિટી સંશોધન ફાર્મ ખાતે કરવામાં આવે છે.

બોક્ષ-૧
જીવામૃત પ્રાકૃતિક ખેતીનું મહત્વપૂર્ણ પ્રવાહી જૈવ સંસ્કૃતિ બાયો કલ્ચર છે. જેમાં વિવિધ લાભકારી સૂક્ષ્મજીવોને સંવર્ધિત કરવામાં આવ્યા હોય છે. દેશી ગાયના તાજા છાણ, ગૌમૂત્ર સાથે ઘરગથ્થુ ચિજો જેમા કઠોળનો લોટ, દેશી ગોળ અને વડના વૃક્ષ નીચેની માટીમાંથી તે ખુબ જ સરળતાથી તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણનો ઉપયોગ જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારવામાં મદદરૂપ બને છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે, પોષક તત્ત્વોની ઉપલબ્ધતા સુધરે છે અને પાકની વૃદ્ધિ સારી થાય છે. જીવામૃતનો ઉપયોગ છંટકાવ તેમજ પિયત સાથે ૪૦૦ લિટર/એકર/પિયત માત્રામા કરી શકાય છે.
ઘનજીવામૃત સુકા ગોબર અને તૈયાર જીવામૃતમાંથી બનાવવામાં આવે છે. તે જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા અને સજીવ કાર્બનનું પ્રમાણ વધારવામાં, ભેજ જાળવી રાખવામાં અને જમીનની રચના સુધારવામાં મદદ કરે છે. જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધારવામાં પણ તેનું મહત્વનું યોગદાન છે. પ્રતિ એકર અંદાજે ૧૦૦૦ કિલોગ્રામ ઘનજીવામૃતનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
બીજામૃત વાવણી પહેલાં બીજની માવજત માટે ઉપયોગમાં લેવાતું પ્રાકૃતિક દ્રાવણ છે. દેશી ગાયના તાજા છાણ, ગૌમૂત્ર, ચૂનો અને વડ નીચેની માટીમાંથી તૈયાર થતા બીજામૃતથી બીજની અંકુરણ ક્ષમતા વધે છે, છોડની પ્રારંભિક વૃદ્ધિ ઝડપી બને છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પરિણામે પાકનો વિકાસ વધુ સારો થાય છે.
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો.અલ્પેશ ભીમાણીએ ખાસ કરીને જીવામૃતના મહત્વ અંગે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કોઇ વૈકલ્પિક પદ્ધતિ નથી. પ્રાકૃતિક ખેતીમાં સ્થાનિક સંસાધનોના ઉપયોગથી તૈયાર થતા જીવામૃત સહિતના વિવિધ બાયો-ઇનપુટ્સ ખેડૂતોને ઓછી કિંમતમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદરૂપ બને છે.
ઘનજીવામૃત સુકા ગોબર અને તૈયાર જીવામૃતમાંથી બનાવવામાં આવે છે. તે જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા અને સજીવ કાર્બનનું પ્રમાણ વધારવામાં, ભેજ જાળવી રાખવામાં અને જમીનની રચના સુધારવામાં મદદ કરે છે. જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધારવામાં પણ તેનું મહત્વનું યોગદાન છે. પ્રતિ એકર અંદાજે ૧૦૦૦ કિલોગ્રામ ઘનજીવામૃતનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

જમીન પોષક તત્ત્વોનો ભંડાર છે, પરંતુ એ તમામ તત્ત્વો છોડ દ્વારા સીધા ઉપયોગી બને તે સ્વરૂપમાં હંમેશા હાજર નથી હોતા. જીવામૃત અને ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્ત્વોને પોતાની જૈવ રસાયણિક પ્રક્રિયા દ્વારા તોડીને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ એવા સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. જેથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક અને અન્ય સુક્ષ્મ પોષક તત્વોમા વધારો કરે છે. સાથે સાથે જમીન, પાણી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આજના સમયમાં જમીનની સતત ઘટતી ગુણવત્તા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ખર્ચ તેમજ સુરક્ષિત અને ઝેરમુક્ત ખાદ્ય પદાર્થોની વધતી માંગને ધ્યાનમાં લેતા જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતનો ઉપયોગ અત્યંત જરૂરી બની ગયો છે. આ ત્રણેય બાયો-ઇનપુટ્સ ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડે છે. જમીનની લાંબા ગાળાની ઉપજાઉ શક્તિ જાળવે છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂત આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બની શકે છે અને આગામી પેઢી માટે ફળદ્રુપ જમીન તથા સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરી શકે છે.




Reporter: admin







