વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતીદેતીને લઈને આશરે 17 વર્ષીય વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પૈસાની લેતીદેતીના મામલે વિદ્યાર્થી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દસથી વધુ શખ્સોએ મળીને હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, સયાજી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો. પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમામ આરોપીઓ ઝડપાશે નહીં ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
આ ઘટનાને પગલે કિશનવાડી વિસ્તાર તેમજ સયાજી હોસ્પિટલમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Reporter: admin







