News Portal...

Breaking News :

પાંચ વર્ષથી તૂટેલી છત, તિરાડ પડેલી દીવાલો છતાં પાલિકા મૌન.

2026-07-13 11:28:22
પાંચ વર્ષથી તૂટેલી છત, તિરાડ પડેલી દીવાલો  છતાં પાલિકા મૌન.

વડોદરા  સંસ્કારી નગરીનું ગૌરવ ગણાતા ન્યાયમંદિર અને લહેરીપુરા દરવાજા જેવા ઐતિહાસિક સ્મારકો આજે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહ્યા છે, અને આ મૂક ખંડેરો પોતે જ પાલિકાના જુઠાણાની ચાડી ખાઈ રહ્યા છે.
દસેક મહિના પહેલાં પાલિકાએ ન્યાયમંદિર ફરતે રેલિંગ ઊભી કરીને એવો દેખાડો કર્યો હતો કે જાણે હેરિટેજની જાળવણી માટે ગંભીર છે. હકીકતમાં આ માત્ર ફૂટપાથની બહાર થોડા દિવસ માટે નો-પાર્કિંગ જાહેર કરવાનું નાટક હતું. આજે એ જ ઈમારતની દીવાલોમાં તિરાડો પડી ચૂકી છે અને પીપળાના વૃક્ષોના મૂળિયાં ઊંડે સુધી ઊતરી ગયાં છે . છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

લહેરીપુરા દરવાજાની હાલત તો એથીય બદતર છે. પાંચ વર્ષ પહેલાં તૂટેલી છત આજ સુધી સમારાઈ નથી. આ ગાળામાં બે-ત્રણ કમિશનર અને બબ્બે મેયર-ચેરમેન બદલાયા, હજારો વાર આ જ રસ્તેથી પસાર થયા, પણ કોઈએ માથું ઊંચકીને ઉપર જોવાની તસ્દી ન લીધી. ગયા ચોમાસામાં તો છત ફાટીને પાણી એવું ટપકતું હતું કે જાણે શાવર ચાલુ હોય. દીવાલો અને છત પર ઊગેલા પીપળા હવે વૃક્ષ બની ચૂક્યા છે.
આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ ૨૦૧૩માં લહેરીપુરા દરવાજા પાછળ ૭૩ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. એ નાણાં ક્યાં અને કેવી રીતે વપરાયાં, એનો હિસાબ આજે ખંડેર જેવી ઈમારત આપોઆપ આપી દે છે. પુરાતત્વ વિભાગ પણ આ મામલે મૂંગુ મોઢું રાખીને બેઠું છે.

નવા ચૂંટાયેલા મેયર-ચેરમેનને પણ આ બાબતે કંઈ ખબર નથી, એવું માનવું અશક્ય છે. કારણ કે છેલ્લાં પાંચ વર્ષથી અખબારોમાં આ સમાચાર છપાતા જ રહ્યા છે. જો ખરેખર અજાણ હોય, તો એ વડોદરા માટે શરમજનક બાબત ગણાશે.
અને હા, આ સમાચાર છપાયા પછીની સ્ક્રિપ્ટ પણ નક્કી જ છે. કમિશનર "કડક કાર્યવાહી"નો આદેશ આપશે, ઝાડ કપાવીને ફોટા પડાવાશે, અને મેયર-ચેરમેન કહેશે કે "અમે ગંભીર છીએ, જલ્દી કાર્યવાહી કરીશું." પણ સવાલ એ છે કે ગાયકવાડની આ અમૂલ્ય ભેટ કેટલા વધુ ચોમાસા ટકી શકશે?

Reporter: admin

Related Post