વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિટી બસ સેવામાં પ્રજાની સુવિધાના નામે કેવો મોટો ખેલ ખેલાઈ રહ્યો છે તેનો પર્દાફાશ થયો છે. નિયમ મુજબ કોન્ટ્રાક્ટરે વડોદરાની જનતા માટે પૂરતા રૂટ પર અને નક્કી કરેલી સંખ્યામાં બસો દોડાવવાની હોય છે, પરંતુ અહીં પ્રજા તરસતી રહી અને ઓછા રૂટ પર ઓછી બસો દોડાવીને પ્રજાની સુવિધાનો જનાજો કાઢી નાખવામાં આવ્યો. પબ્લિકની વ્યાપક ફરિયાદો બાદ અગાઉ નીડર અધિકારીઓએ આ 'વિટકોસ' કંપનીને લાખો રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. નવાઈની વાત એ છે કે, આ જ સિટી બસ સ્ટેન્ડમાં 'શક્તિ ટ્રાવેલ્સ'નું ગેરકાયદેસર કાઉન્ટર ખોલીને છેક ખંભાત સુધીની ખાનગી બસો અને ગેરકાયદેસર પાર્સલની હેરાફેરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે પાલિકાના અધિકારીઓએ દંડ ફટકાર્યો, નિયમોનું પાલન કરવાનું કહ્યું અને બિલની ચૂકવણી કે ખોટો ભાવવધારો મંજૂર કરવાની ના પાડી, ત્યારે આ કોન્ટ્રાક્ટરે અધિકારીઓને દબાવવા માટે બ્લેકમેલિંગની રાજનીતિ શરૂ કરી દીધી હતી. ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ખોટી અરજીઓ કરવાનો નવો પેતરો રચાયો. એટલું જ નહીં, ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન પૂર્ણ થતાં જ કોઈપણ જાતની લેખિત જાણ કે જાહેર જાહેરાત કર્યા વિના રાતોરાત બસો બંધ કરી દેતાં હજારો મુસાફરો રસ્તા પર રઝળતા થઈ ગયા. પાલિકાના ટુકડા પર પળતા આ માફિયાઓ વડોદરાની આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમને બાનમાં લેવા માગે છે. પાલિકાના અધિકારીઓએ ઓછી બસો દોડાવવા બદલ લાખો રૂપિયાનો દંડ ફટકારતાં જ વિટકોસના ઉપરી આકાઓએ અધિકારીઓ વિરુદ્ધ અરજીઓ કરવાનો ખેલ શરૂ કર્યો. અધિકારીઓ પર દબાણ લાવીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવાનો આ સીધો પેતરો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
'હુસેન'નો ડબલ ખેલ: પાલિકાના ખિસ્સામાંથી કમાવવાનું અને પાલિકાની જ પીઠમાં છરો ભોંકવાનો.
વિટકોસ કે વિનાયક બસ સેવા સાથે સંકળાયેલો 'હુસેન' નામનો શખ્સ વડોદરામાં ડબલ ગેમ રમી રહ્યો છે. પાલિકા પાસેથી બસ ચલાવવાનો કોન્ટ્રાક્ટ લેવો, કામમાં ભ્રષ્ટાચાર કરવો અને જ્યારે પોતાની ચોરી પકડાય ત્યારે પાલિકા વિરુદ્ધ જ સોશિયલ મીડિયામાં ભડકાઉ સમાચાર અને નકારાત્મક માહિતી વાયરલ કરીને અપપ્રચાર કરવો! પાલિકાની કમાણી ખાવી અને પાલિકાને જ બદનામ કરવી, આ લુચ્ચાઈ ક્યાં સુધી ચાલશે?
રાતોરાત બસો બંધ કરીને પ્રજાને બંધક બનાવી, 2008થી ચાલતી દાદાગીરી....
વર્ષ 2008થી વડોદરાની પ્રજાના ભોગે તાગડધિન્ના કરતા સિટી બસના કોન્ટ્રાક્ટરોની હિંમત જુઓ.જ્યારે તેમનું ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન પૂર્ણ થયું અને આગળ રિન્યુ ન થયું, ત્યારે નિયમ મુજબ મીડિયા કે પ્રજાને અગાઉથી જાણ કરવાની તકલીફ પણ ન લીધી અને અચાનક જ બસો બંધ કરી દીધી. જો સચ્ચાઈ હોત, તો મીડિયામાં આવીને પહેલા કેમ ન જણાવ્યું કે અમારો કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનો છે? છેલ્લી ઘડીએ બસો ઠપ્પ કરીને કોને ડરાવવા માગતા હતા? 1 જુલાઈના રોજ વર્ક ઓર્ડર પૂર્ણ થતાં અસ્થાયી રૂપે સેવાઓ બંધ થઈ ગઈ હતી અને બસના પૈડાં થંભી ગયા હતા, પરંતુ બપોર બાદ મુસાફરોની સુવિધા માટે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.
ચૂંટણી ટાણે ધમકી આપનારા આ તત્વો કોના જોરે કૂદે છે?
અગાઉ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે બરાબર મોકાનો ફાયદો ઉઠાવીને આ વિટકોસે વડોદરા શહેરમાં સરકારી બસ સેવા જ ઠપ્પ કરી દેવાની સીધી ધમકી આપી હતી. લોકશાહીના પર્વ દરમિયાન પ્રજા અને તંત્રને બ્લેકમેલ કરનારા આ બસ માફિયાઓ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે, તેની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા થવી જ જોઈએ.
ખુલ્લેઆમ ગેરકાયદેસર પાર્સલની હેરાફેરી: નિયમોના લીરેલીરા ઉડ્યા....
વાયરલ થયેલા વીડિયોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિટી બસ (નંબર GJ 06 BT 0852)માં ખુલ્લેઆમ બિનઅધિકૃત પાર્સલની હેરાફેરી થતી નજરે પડે છે. બસને રસ્તા પર ઉભી રાખીને ડ્રાઇવરની બારીમાંથી અંદર પાર્સલો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા અને પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતી આ બસો જાણે ખાનગી કુરિયર સેવાનું સાધન બની ગઈ હોય તેમ આખો ખેલ ચાલી રહ્યો છે. જો બસમાં કોઈ શંકાસ્પદ કે જોખમી વસ્તુની હેરાફેરી થાય, તો તેની જવાબદારી કોની? પ્રજાની સલામતી સાથે ચેડાં કરતા આ ભ્રષ્ટાચાર અંગે હવે પાલિકા કમિશનર કડક કાર્યવાહી કરશે કે પછી આ આંધળા-બહેરા તંત્રમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે?
Reporter: admin







