વડોદરા શહેરના વારસિયા વિસ્તારની કુખ્યાત સિંધી ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હેરી સિંધી સહિત કુલ 9 શખ્સો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ પર દારૂની હેરાફેરી, ખંડણી, મારામારી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાના આક્ષેપ છે. ગેંગ દ્વારા વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અલ્પૂ સિંધી અને હેરી સિંધી વચ્ચે અગાઉ મિત્રતા હતી, જે બાદમાં દુશ્મનીમાં પરિવર્તિત થઈ હતી. ત્યારબાદ ખંડણી અને ગેંગ વોર જેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ હોવાનું પોલીસનું કહેવું છે.
આ ગેંગના સભ્યો અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ લાવી વડોદરા સહિતના વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસે હાલ નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે શહેરમાં સંગઠિત ગુનાખોરીને ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
Reporter: admin







