વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીમાં આચરાયેલા રૂ. 3.17 કરોડથી વધુના કૌભાંડને એક વર્ષ પૂરું થવા આવ્યું છે,વહીવટી તંત્રની નીતિ-રીતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન બચાવ અને રાહત કામગીરીનાં નામે બજાર ભાવ કરતાં દસ ગણા ઊંચા ભાવે સાધનો ખરીદીને પ્રજાનાં ટેક્સના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનાં આ કૌભાંડમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરીને ગત વર્ષે 4 ઓગસ્ટ, 2025નાં રોજ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને વિભાગના હેડ ડો. દેવેશ પટેલ સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ આટલું મોટું કૌભાંડ આચરાયું હોવા છતાં, એક વર્ષ વીતી ગયા પછી પણ પાલિકા તંત્ર દ્વારા આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.રિકવરી માટે પણ કોઈ પ્રયત્ન કર્યો નથી. માત્ર સસ્પેન્ડ કરીને સંતોષ માની લેતું મહાનગરપાલિકા તંત્ર આખરે કેમ આટલા મોટા ભ્રષ્ટાચારીઓ સામે પોલીસ કાર્યવાહી કરતું નથી, તે મોટો સવાલ છે.

આ કૌભાંડની વિગતો તપાસતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. પાલિકા દ્વારા તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ, ચીફ ઓડિટર એચ. આર. રાવ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેન્દ્ર વસાવા અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીની બનેલી કમિટીએ જ્યારે તપાસ કરી, ત્યારે ખુલ્લેઆમ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. બજારમાં આશરે રૂ. 50 માં મળતી વ્હીસલ (સિસોટી) ફાયર વિભાગે રૂ. 3238 નાં ભાવે ખરીદી હતી !! આ ઉપરાંત, પાણીની બોટલ, ચપ્પુ, ગેસ લાઈટર, ઇમર્જન્સી સ્પોટ લાઈટ અને મચ્છરદાની જેવી વસ્તુઓનો એકસરખો ભાવ રૂ. 3639.71 ચૂકવવામાં આવ્યો હતો. તેમજ લાઈફ સેવિંગ જેકેટ અને ફર્સ્ટ એઇડ કિટનો ભાવ રૂ. 3238.73 ચૂકવાયો હતો. ખુલ્લા બજારની સરખામણીએ 10 ગણાં ભાવ ચૂકવીને કરોડો રૂપિયાનું નુકસાન પાલિકાની તિજોરીને પહોંચાડવામાં આવ્યું હોવા છતાં, તંત્ર માત્ર સસ્પેન્શનની કાર્યવાહી કરીને શાંત બેસી ગયું છે. સપ્લાયરને બ્લેકલિસ્ટ પણ જાહેર નથી કર્યો.
બજાર ભાવ કરતાં દસ ગણાં ઊંચા ભાવે સાધનોની ખરીદી
વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કાર્ય માટે જરૂરી સાધન-સામગ્રીની વ્યાપક ખરીદીમાં રૂ. 3.17 કરોડથી વધુનું ગંભીર કૌભાંડ સામે આવ્યું હતું. કૌભાંડ બહાર આવતા જ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તત્કાલીન ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ, ચીફ ઓડિટર એચ. આર. રાવ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેન્દ્ર વસાવા અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીની કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા હતા. તપાસ સમિતિના ચોંકાવનારા રિપોર્ટ બાદ કમિશનરે વિભાગના હેડ ડો. દેવેશ પટેલ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતાં પાલિકાના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ તપાસમાં ખુલાસો થયો હતો કે અધિકારીઓએ બજાર ભાવ કરતાં દસ ગણાં ઊંચા ભાવે સાધનોની ખરીદી કરીને સરકારી નાણાંનો મોટા પાયે દુરુપયોગ કર્યો હતો.
પાંચ અલગ-અલગ આઈટમો એકસરખા જ રૂ. 3639.71ના ભાવે ખરીદવામાં આવી
આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત ખરીદીના દરોને લઈને સામે આવી હતી, જેમાં બજારમાં માત્ર રૂ. 50 માં મળતી સિસોટી ફાયર વિભાગે પ્રતિ નંગ રૂ. 3238ના અકલ્પનીય ભાવે ખરીદી હતી. આ ઉપરાંત પાણીની બોટલ, ચપ્પુ, ગેસ લાઈટર, ઇમર્જન્સી સ્પોટ લાઈટ અને મચ્છરદાની જેવી પાંચ અલગ-અલગ આઈટમો એકસરખા જ રૂ. 3639.71ના ભાવે ખરીદવામાં આવી હતી, જ્યારે લાઈફ સેવિંગ જેકેટ અને ફર્સ્ટ એઇડ કિટ માટે રૂ. 3238.73 ચૂકવાયા હતા. આ કૌભાંડને આજે આખો ઓગસ્ટ મહિનો વીતીને એક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં, પાલિકા તંત્ર માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરીને બેસી ગયું છે. આટલો મોટો ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ સામે આજદિન સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી, જેને પગલે તંત્રની ભૂમિકા અને કૌભાંડીઓને છાવરવાની નીતિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
ડીવાયએમસીએ ફોન પણ રિસીવ ન કર્યો.
આ સમગ્ર મામલે અત્યાર સુધી શું તપાસ થઈ છે અને હાલ ગ્રાઉન્ડ લેવલ પર શું સ્ટેટસ છે, તે અંગેની સાચી માહિતી મેળવવી અત્યંત જરૂરી બની ગઈ છે. પ્રજાનાં પ્રશ્નો અને સમગ્ર ઘટનાની સત્યતા બહાર લાવવા માટે 'ગુજરાતની અસ્મિતા' દ્વારા હાલના ડીવાયએમસી ઋતુરાજ દેસાઈનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીની વહીવટી બેદરકારી કે ઉદ્ધતતા સામે આવી હતી. અતિ વ્યસ્ત હોવાનું બહાનું ધરાવતા ઋતુરાજ દેસાઈએ જનતા પ્રત્યેની પોતાની જવાબદારી ભૂલીને ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી. જવાબદાર હોદ્દા પર બેઠેલા ઉચ્ચ અધિકારીનું આવું વલણ અનેક શંકા-કુશંકાઓને જન્મ આપે છે. શું તપાસમાં કોઈ મોટી ગડબડ છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? કે પછી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે? એક તરફ તપાસના નામે માત્ર કાગળ પર પ્રક્રિયા ચાલતી હોવાની ચર્ચાઓ છે, તો બીજી તરફ આ મામલે જવાબ આપવાથી ભાગતા તંત્રના કારણે હાલનું સ્ટેટસ અંધારામાં જ રહ્યું છે. અધિકારીઓની આવી તસ્દી ન લેવાની વૃત્તિ વહીવટી પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે.
માલસામાન પણ તપાસ કમિટી દ્વારા હજુ સુધી કબજે કરવામાં આવ્યો નથી.
અમને મળેલી ચોક્કસ માહિતી મુજબ, આ સમગ્ર કૌભાંડમાં ખરીદાયેલો મુખ્ય માલસામાન પણ તપાસ કમિટી દ્વારા હજુ સુધી કબજે કરવામાં આવ્યો નથી અને તે સામાન આજે પણ ઘટનાસ્થળે જ ધૂળ ખાતો પડ્યો રહ્યો છે. જે તે વખતના સ્થાયી સમિતિનાં ચેરમેને ફાયર વિભાગના અધિકારીને આ સામાન લઈને કોર્પોરેશનની કચેરીએ રૂબરૂ બોલાવ્યા પણ હતા, છતાં સમગ્ર મામલાને રફેદફે કરવાનો પ્રયાસ શરૂથી થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કોર્પોરેશનનાં અધિકારીઓ અને શાસકો કદાચ એવા ભ્રમમાં રાચી રહ્યા છે કે સમય જતાં લોકો આ કૌભાંડને ભૂલી જશે અને બધું પહેલાં જેવું જ સામાન્ય થઈ જશે. પરંતુ શાસકો અને અધિકારીઓ એ વાત ભૂલી જાય છે કે 'ગુજરાતની અસ્મિતા' વર્ષો સુધી તેમને તેમના કાળાં કામોની યાદ અપાવતી જ રહેશે. જો વહીવટી તંત્રના મનમાં મામલો દબાવી દેવાની આવી કોઈ ધારણા હોય, તો તેમણે તાત્કાલિક એ મનમાંથી કાઢી નાખવી જોઈએ. તપાસનાં નામે ચાલતો આ ડ્રામા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું સતત ચાલુ જ રહેશે.
આગળની પ્રક્રિયાની માહિતી નથી.
હાલ તો ત્રણેય અધિકારી સસ્પેન્ડ છે,તેવી મને ખબર છે, પણ હાલના તબક્કે આગળની પ્રક્રિયાની માહિતી મને ખબર નથી.
વર્ષા વ્યાસ, ચેરમેન, સ્થાયી સમિતિ
18 તારીખ મારી મુદતની છેલ્લી તારીખ છે.
મારી તપાસમાં હજુ 10 ઓગસ્ટે જ જવાબદાર અધિકારીઓનું બચાવનામું રજૂ કરાયું છે. હવે 18 તારીખ મારી મુદતની છેલ્લી તારીખ છે. જો મુદત વધારાશે તો હું અહેવાલ સુપ્રત કરી શકીશ. મારી તપાસ માત્ર વહીવટી ભૂલ હતી કે કેમ અને શું ભૂલ હતી, તે અંગેની છે. તે સિવાયના મુદ્દા અંગે કોર્પોરેશને પોલીસ ફરિયાદ કરવી પડે.
— બી.એમ. ભાભોર, તપાસ અધિકારી
હાલ તો ત્રણેય અધિકારી સસ્પેન્ડ છે,તેવી મને ખબર છે, પણ હાલના તબક્કે આગળની પ્રક્રિયાની માહિતી મને ખબર નથી.
વર્ષા વ્યાસ, ચેરમેન, સ્થાયી સમિતિ
મારી તપાસમાં હજુ 10 ઓગસ્ટે જ જવાબદાર અધિકારીઓનું બચાવનામું રજૂ કરાયું છે. હવે 18 તારીખ મારી મુદતની છેલ્લી તારીખ છે. જો મુદત વધારાશે તો હું અહેવાલ સુપ્રત કરી શકીશ. મારી તપાસ માત્ર વહીવટી ભૂલ હતી કે કેમ અને શું ભૂલ હતી, તે અંગેની છે. તે સિવાયના મુદ્દા અંગે કોર્પોરેશને પોલીસ ફરિયાદ કરવી પડે.
— બી.એમ. ભાભોર, તપાસ અધિકારી
Reporter: admin







