News Portal...

Breaking News :

બરોડા મેડિકલ કોલેજ દેશની ટોપ-20માં..

2026-08-13 12:55:58
બરોડા મેડિકલ કોલેજ દેશની ટોપ-20માં..

સરકારી મેડિકલ કોલેજ, વડોદરાએ IIRF-2026 મેડિકલ રેન્કિંગમાં સમગ્ર ભારતમાં 17મું સ્થાન અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને શહેર તથા રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજે 1,000માંથી 931.27નો વેટેજ સ્કોર મેળવ્યો છે.
IIRF રેન્કિંગમાં ટીચિંગ-લર્નિંગ રિસોર્સિસ એન્ડ પેડાગોજી, રિસર્ચ આઉટકમ્સ, ઇનોવેટિવ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ક્લુઝન, ફ્યુચર ઓરિએન્ટેશન અને એક્સટર્નલ પર્સેપ્શન સહિતના વિવિધ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કોલેજે તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.

કોલેજના જણાવ્યા મુજબ આ સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા અને વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણ પર સતત અપાતા ભારનું પરિણામ છે. સેન્ટ્રલાઈઝ્ડ એર-કન્ડિશન્ડ લાઈબ્રેરી, ડિજિટલ ઈન્ટરેક્ટિવ બોર્ડથી સજ્જ એર-કન્ડિશન્ડ લેક્ચર થિયેટર તથા ડિજિટાઈઝ્ડ સ્ટુડન્ટ-સેક્શન પેમેન્ટ સિસ્ટમ જેવી પહેલોએ શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવ્યું છે.
1949માં મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના પ્રયાસોથી માત્ર 25 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી બરોડા મેડિકલ કોલેજ આજે તબીબી શિક્ષણ, સંશોધન અને આરોગ્યસંભાળનું મહત્વનું કેન્દ્ર બની છે. હાલમાં કોલેજમાં વાર્ષિક 250 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને આશરે 22 વિભાગોમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લગભગ 400 ફેકલ્ટી સભ્યો સંસ્થાની શૈક્ષણિક કામગીરીમાં યોગદાન આપી રહ્યા છે.

પૂર્વ ડીન અને વર્તમાન સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રંજન અય્યરના વિઝન તેમજ વર્તમાન ડીન ડૉ. ધ્રિતિ પરમાર, એડિશનલ ડીન ડૉ. જીવરાજ ડામોર અને ફેકલ્ટી ડીન ડૉ. હેમંત માથુરના નેતૃત્વને આ સફળતાનો શ્રેય આપવામાં આવ્યો છે.
કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ભારત અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. સર્જરીમાં ડૉ. જે.પી. શાહ, મેડિસિનમાં ડૉ. ભરત બારાઈ અને રેડિયોલોજીમાં ડૉ. અશોક જૈન દ્વારા સ્થાપિત એન્ડોવમેન્ટ ચેર પણ સંસ્થાની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપી રહી છે.
દરમિયાન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે પણ IIRF-2026 રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને 52મો, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને મેનેજમેન્ટમાં 99મો, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને 92મો, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સને ડિઝાઇન ક્ષેત્રે 22મો અને ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરને 28મો ક્રમ મળ્યો છે.

Reporter: admin

Related Post