વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામા વ્રત તેમજ ગણેશ ઉત્સવની સ્થાપના અને વિસર્જનને ધ્યાનમાં રાખી પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં આવેલા દશામા તળાવ (કોઠિયા તળાવ) ખાતે મદદનીશ પોલીસ કમિશનર, ‘બી’ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત સ્થળ મુલાકાત અને બેઠક યોજાઈ હતી.

સાંજે 4.30થી 5.30 વાગ્યા દરમિયાન યોજાયેલી મુલાકાતમાં વોર્ડ નં.11ના ડેપ્યુટી એન્જિનિયર રવિ ભામરે, કાર્યપાલક ઇજનેર દર્શીન મહેતા, એન્જિનિયર ખ્યાતીબેન પટેલ અને અમૃતાબેન રાવેકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રોડ શાખાના મયુર ચૌહાણ, જી.ઈ.બી. શાખાના અભિષેક મોડ, પાણીપુરવઠા વિભાગના પાર્થ ચૌધરી અને મિત પરમાર તેમજ વોર્ડ નં.11ના કોર્પોરેટર વિષ્ણુભાઈ પ્રજાપતિ પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.
સ્થળ મુલાકાત દરમિયાન દશામા તથા ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તળાવ ખાતે સ્વચ્છતા, પાણી, વીજળી, રસ્તા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રહે તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતા હોવાથી શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને પાલિકા તંત્ર વચ્ચે સંકલન સાથે કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Reporter: admin







