News Portal...

Breaking News :

ડેકી ખોલી લેપટોપ-પર્સ પર હાથફેરો બે ઝડપાયા

2026-08-13 12:27:30
 ડેકી ખોલી લેપટોપ-પર્સ પર હાથફેરો બે ઝડપાયા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓલા મોપેડની ડેકીમાંથી એપલનું લેપટોપ અને રોકડ ભરેલું પર્સ ચોરવાના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રૂ.25 હજારની કિંમતનું એપલનું લેપટોપ અને ચાર્જર કબજે કરવામાં આવ્યું છે.


ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે હરણી રોડ પર વિજયનગર નાકા પાસેથી શાહરૂખ ઉર્ફે નટુ ઇસ્માઇલભાઇ પઠાણ અને અમીત ઉર્ફે પિયુષ પ્રેમજીભાઇ મારવાડીને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી બેગમાં એપલનું લેપટોપ અને ચાર્જર મળી આવ્યું હતું. લેપટોપ અંગે યોગ્ય આધાર-પુરાવા કે સંતોષકારક માહિતી ન આપતા પોલીસે બંનેની સઘન પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં બંનેએ આશરે 25 દિવસ પહેલા વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તાથી પરીવાર ચાર રસ્તા તરફ જતા રોડની સાઇડમાં પાર્ક કરેલા ઓલા મોપેડની સીટ ઉંચી કરી ડેકીમાંથી બેગમાં રાખેલું એપલ લેપટોપ, ચાર્જર અને રોકડ ભરેલું પર્સ ચોર્યું હોવાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી મળેલું લેપટોપ આ જ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું.


આરોપીઓ સામે અગાઉ પણ ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. શાહરૂખ સામે વડોદરા શહેરમાં ચોરી, મારામારી, રમખાણ, જુગાર અને હથિયારના ગુનાઓ સહિત 16 કેસ નોંધાયેલા છે, જ્યારે અમીત સામે મારામારીના ત્રણ અને ચોરીનો એક મળી ચાર ગુના નોંધાયેલા છે. આ મામલે કપુરાઇ પોલીસને જાણ કરી બંને આરોપીઓને વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરાઇ છે.

Reporter: admin

Related Post