શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવી ઈ-બસો લોન્ચ કરવામાં આવી હોવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે પ્રજાની યાતનાઓમાં એક ટકાનો પણ ઘટાડો થયો હોય તેમ જણાતું નથી. સ્માર્ટ સિટીના બોર્ડ મારેલા તંત્રના નાક નીચે વિનાયક સિટી બસ સેવા સામે દાદાગીરી અને વહીવટી બેદરકારીના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. નવી બસો મૂકવામાં આવી હોવાના દાવાઓ છતાં મુસાફરો આજે પણ જૂની, ખટારા જેવી બસોમાં ઘેટાં-બકરાંની જેમ કચડાઈને મુસાફરી કરવા મજબૂર હોવાનું જણાવે છે. બસની અંદર ઊભા રહેવાની કે બેસવાની જગ્યા તો દૂર, દરવાજે લટકીને જીવના જોખમે પ્રવાસ કરવો પડતો હોવાની ફરિયાદો સામે આવી છે.
એક મહિલા મુસાફરે મીડિયા સમક્ષ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, નવી ઈ-બસો મૂકી હોવાના દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે. તેમના જણાવ્યા મુજબ રોજિંદા ધોરણે આવી જ સ્થિતિમાં લટકીને જવું પડે છે, અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

બીજી તરફ, નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે તેવું આરટીઓ અને ટ્રાફિક પોલીસ તંત્ર આ સમગ્ર મામલે આશ્ચર્યજનક મૌન ધારણ કરીને બેસી ગયું હોવાનું જણાય છે. ટ્રાફિક શાખાના અધિકારીનું કાર્યાલય માંડ ૨૦૦ મીટર દૂર સિટી બસ સ્ટેશનની સાવ નજીકમાં જ આવેલું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દરરોજ આંખ સામે જ સિટી બસમાં ઓવરલોડિંગ થાય છે અને મુસાફરો દરવાજા પર લટકે છે, છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોવાનું તેમનું કહેવું છે — જે તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સામાન્ય બાઇકચાલક કે વાહનચાલક ટ્રાફિકના નાનકડા નિયમનો ભંગ કરે તો પોલીસ તંત્ર તુરંત દંડની પહોંચ ફાડવા પહોંચી જાય છે, પરંતુ વિનાયક સિટી બસ સેવાની ખુલ્લી ગેરરીતિઓ સામે તંત્રનું આ જ ચુસ્ત વલણ કેમ દેખાતું નથી, તે સવાલ યથાવત્ છે.
વિનાયક સિટી બસ સેવાનો વિવાદ માત્ર ઓવરલોડિંગ પૂરતો સીમિત નથી. સ્થાનિક સૂત્રો અને અગાઉના અહેવાલો અનુસાર, સંચાલકોએ કોર્પોરેશન અને એસટી નિગમના નિયમોની અવગણના કરીને મંજૂરી વગર જ સીમાઓ વટાવી હોવાના આક્ષેપો થયા છે. ખાનગી બસ સંચાલક શક્તિ ટ્રાવેલ્સ સાથે સાંઠગાંઠ રચીને, સિટી બસ સ્ટેશન પરથી જ કોર્પોરેશનની લિમિટ બહાર છેક ખંભાત સુધી બસો દોડાવવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો સૂત્રો દ્વારા કરવામાં આવ્યા હતા.
વિનાયક સિટી બસ સેવાનો વિવાદ માત્ર ઓવરલોડિંગ પૂરતો સીમિત નથી. સ્થાનિક સૂત્રો અને અગાઉના અહેવાલો અનુસાર, સંચાલકોએ કોર્પોરેશન અને એસટી નિગમના નિયમોની અવગણના કરીને મંજૂરી વગર જ સીમાઓ વટાવી હોવાના આક્ષેપો થયા છે. ખાનગી બસ સંચાલક શક્તિ ટ્રાવેલ્સ સાથે સાંઠગાંઠ રચીને, સિટી બસ સ્ટેશન પરથી જ કોર્પોરેશનની લિમિટ બહાર છેક ખંભાત સુધી બસો દોડાવવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો સૂત્રો દ્વારા કરવામાં આવ્યા હતા.

આક્ષેપો મુજબ, સિટી બસના નામે પરમિટ લઈને ખંભાત સુધી મુસાફરોની ગેરકાયદે હેરફેર કરવામાં આવતી હતી, અને બસની અંદર ગેરકાયદે પાર્સલ સેવાનો કારોબાર પણ ચલાવવામાં આવતો હોવાનું સૂત્રોનું કહેવું છે. અગાઉ ગુજરાતની અસ્મિતા દ્વારા આ અંગેનો પર્દાફાશ કરતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેના પગલે સંચાલકોએ ખંભાત રૂટની બસો અને પાર્સલ સેવા હંગામી ધોરણે બંધ કરી દીધી હતી — જે પોતે જ આ આક્ષેપોમાં તથ્ય હોવાની શંકાને બળ આપે છે.
પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે, આટલો મોટો વિવાદ સામે આવ્યો હોવા છતાં, આજ દિવસ સુધી ન તો મહાનગરપાલિકાએ, ન તો આરટીઓએ, કે ન તો ટ્રાફિક શાખા કે એસટી નિગમે વિનાયક સિટી બસ સેવા કે શક્તિ ટ્રાવેલ્સ સામે કોઈ કાયદાકીય કે ફોજદારી કાર્યવાહી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. તંત્રનું આ મૌન અનેક સવાલો ઊભા કરે છે અને સંબંધિત વિભાગોની ભૂમિકા સામે તપાસની માંગ ઉઠી રહી છે.

Reporter: admin







