News Portal...

Breaking News :

ડેરીમાં વીજ કરંટથી યુવકનું શંકાસ્પદ મોત

2026-08-15 11:35:16
ડેરીમાં વીજ કરંટથી યુવકનું શંકાસ્પદ મોત

વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આવેલી માધવ ડેરી પ્રોડક્ટમાં કામ કરતા યુવાનનું વીજ કરંટ લાગતાં શંકાસ્પદ મોત થયું છે. ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનો રહેવાસી કિશન જાટવ આશરે દોઢ મહિના પહેલા જ ડેરીમાં નોકરીએ લાગ્યો હતો. ઘટનાને પગલે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.


મળતી માહિતી મુજબ, પનીર બનાવતી ડેરીમાં કામ દરમિયાન કિશનને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં ડેરીમાં કામદારો માટે જરૂરી સેફ્ટી સાધનોનો અભાવ હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. કરંટ લાગ્યા બાદ ડેરીના કર્મચારીઓ કિશનને સારવાર માટે બે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, ત્યાં સારવાર ન મળતાં તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબોએ કિશનને મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ, ઘટનાને લઈને ડેરીના જવાબદારોના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે. ડેરીના એકાઉન્ટ વિભાગના કર્મચારીના જણાવ્યા મુજબ કિશન પોતું મારતી વખતે કરંટ લાગતાં અકસ્માતનો ભોગ બન્યો હતો. જ્યારે ડેરીના માલિક હરેન્દ્રના જણાવ્યા મુજબ કિશન ખાલી બેઠો હતો ત્યારે તેને કરંટ લાગ્યો હતો.
એક જ ઘટનાને લઈને સામે આવેલા અલગ-અલગ નિવેદનોને કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઉભા થયા છે. કિશનનું મોત ખરેખર કેવી રીતે થયું અને તેમાં કોઈ બેદરકારી હતી કે કેમ, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. મૃતકના પરિવારજનો પણ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે.


ડેરીની બેદરકારી કે અકસ્માત? ઘટનાએ ઊભા કર્યા સવાલ

ડેરીમાં જરૂરી સેફ્ટી સાધનોના અભાવનો આક્ષેપ
કામ દરમિયાન કિશનને વીજ કરંટ લાગ્યો
બે ખાનગી હોસ્પિટલ બાદ SSG હોસ્પિટલ ખસેડાયો
તબીબોએ કિશનને મૃત જાહેર કર્યો
માલિક અને કર્મચારીના નિવેદનમાં વિરોધાભાસ
સમગ્ર ઘટનાની પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે

Reporter: admin

Related Post