News Portal...

Breaking News :

સંકલ્પભૂમિ સ્મારકની કામગીરીની હર્ષ સંઘવીએ સમીક્ષા કરી

2026-08-15 11:32:59
સંકલ્પભૂમિ સ્મારકની કામગીરીની હર્ષ સંઘવીએ સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના કમાટીબાગ-કલ્યાણનગર ખાતે નિર્માણાધીન ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે બાકી રહેલી કામગીરી નિયત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવાનો ઐતિહાસિક સંકલ્પ કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે લીધો હતો. આ સ્થળને સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

સમીક્ષા દરમિયાન જણાવાયું હતું કે, સ્મારકના ફેઝ-૨ હેઠળ મ્યુઝિયમ, ક્યુરેશન, સ્ટેચ્યુ, ઈન્ટીરીયર અને ફર્નિચર સહિતની મોટાભાગની કામગીરી અંતિમ તબક્કામાં છે. વોલ મ્યુરલ્સ, મેનિકવિન્સ અને હાયપર રીઅલીસ્ટિક સેટનું થીમ આધારિત પ્લેસિંગ તથા ફિનિશિંગ પૂર્ણ થઈ ગયું છે.

ઓડિટોરિયમમાં એકાઉસ્ટિક પેનલિંગ, ફોલ્સ સિલિંગ તથા એનિમેટ્રોનિક્સનું ઇન્સ્ટોલેશન અને પ્રોગ્રામિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને ડિજિટલ અને મલ્ટીમીડિયા અનુભવ આપવા ટીવી, લાઈટિંગ, ઓડિયો ગાઈડ, ક્યુ.આર. સ્કેનર અને મોબાઈલ એપ્લિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

સ્મારકના કેન્દ્રમાં ડૉ. આંબેડકરની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું પ્લેસમેન્ટ, પ્લેટફોર્મ ફિનિશિંગ અને તક્તિ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. પ્રવાસીઓની સુવિધા માટે કમાટીબાગ ખાતે રૂ.36 લાખના ખર્ચે સુશોભન અને પ્લેટફોર્મની કામગીરી માટે વહીવટી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
સ્મારકની કેફેટેરિયાનું સંચાલન ‘મૈત્રી સખી મંડળ’ને સોંપવા તથા મ્યુઝિયમના સંચાલન માટે એજન્સીની પસંદગી કરી જરૂરી તાલીમ આપવા પણ સૂચના આપવામાં આવી છે.

Reporter: admin

Related Post