વડોદરા શહેરમાં વાહનચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વાહનચોરોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરણી રોડ પર શ્રીજી માર્કેટ સામે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની એક્ટિવા લઈને એક યુવક ત્યાંથી પસાર થતાં ટીમે તેને રોકી વાહનના કાગળો અંગે પૂછપરછ કરી હતી. યુવકે એક્ટિવાના કાગળો ન હોવાનું જણાવ્યું હતું અને વાહનની માલિકી અંગે પણ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી શંકા જતા પોલીસે તેની વધુ પૂછપરછ કરી હતી.
પોલીસ તપાસમાં યુવકની ઓળખ દરજીપુરા ગામના મદારી મહોલ્લામાં રહેતા 19 વર્ષીય રાહુલ રોબરભાઇ મદારી તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન રાહુલે એક્ટિવા આશરે 15 દિવસ પહેલા રાવપુરા મામાની પોળમાંથી બપોરના સમયે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે રૂ.25 હજારની હોન્ડા એક્ટિવા કબજે કરી રાહુલ મદારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ એક્ટિવા અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલો હોવાથી આરોપી અને કબજે કરાયેલ વાહનને વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસને સોંપવામાં આવ્યા છે.
Reporter: admin







