News Portal...

Breaking News :

વારસીયા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીની સ્પ્લેન્ડર સાથે આરોપી ઝડપાયો

2026-08-15 11:28:06
વારસીયા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીની સ્પ્લેન્ડર સાથે આરોપી ઝડપાયો

વડોદરાના છાણી પોલીસ સ્ટેશનની ટીમે વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલી નયન વિઠ્ઠલભાઈ માળીને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ.30 હજારની કિંમતની હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ કબજે કરી છે.


છાણી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક યુવક ચોરીની કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઈને નેશનલ હાઈવે-48 પરથી છાણી તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી છાણીના નવા બની રહેલા હેપ્પી મોલ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનો યુવક મોટરસાઈકલ સાથે આવતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં નયન માળીએ મોટરસાઈકલ પાંચેક દિવસ અગાઉ ખોડિયારનગર ચાર રસ્તા પાસે ધનવંતરી આયુર્વેદિક ક્લિનિક સામે પાર્ક કરેલી હોવાનું અને આસપાસ કોઈ ન હોવાથી બાઈક સીધી ચાલુ કરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે વધુ તપાસ કરતાં મોટરસાઈકલ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીના ગુનામાંથી ચોરાયેલી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે બાઈક કબજે કરી નયન માળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે તેને વારસીયા પોલીસને સોંપ્યો છે.

Reporter: admin

Related Post