News Portal...

Breaking News :

ક્રાઇમ બ્રાન્ચે આંતરજિલ્લા વાહનચોરી ગેંગનો પર્દાફાશ

2026-07-14 12:21:57
ક્રાઇમ બ્રાન્ચે આંતરજિલ્લા વાહનચોરી ગેંગનો પર્દાફાશ

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મેળવી આંતરજિલ્લા વાહનચોરી કરતા રીઢા આરોપી તથા ચોરીના વાહનો ખરીદનાર અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓની પૂછપરછમાં વડોદરા શહેર ઉપરાંત અમદાવાદ, ભરૂચ, આણંદ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કુલ 21 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ રૂ. 3.95 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.


પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ વાહનચોરીના ગુનાઓની તપાસ કરી રહી હતી. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક આધેડ વ્યક્તિ ખાસવાડી સ્મશાન રોડ વિસ્તારમાં ચોરીની એક્ટિવા વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચી મુનાવરહુસેન ઉર્ફે મુનાફભાઈ ઉર્ફે છોટુભાઈ મહેમુદમિયાં શેખ (ઉં. 63), રહે. જમાલપુર, અમદાવાદને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સાત ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી હતી, જ્યારે એક્ટિવાના કોઈ દસ્તાવેજો મળી આવ્યા નહોતા.

કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચમાંથી એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેણે છેલ્લા સાતથી આઠ મહિનામાં અમદાવાદ ઉપરાંત વડોદરા, પેટલાદ, પાટણ, ચાણસ્મા, બાવળા, મહેસાણા, સુરેન્દ્રનગર અને ભરૂચ સહિતના વિસ્તારોમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન નજીક પાર્ક કરાયેલા ટુ-વ્હીલર વાહનો ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરી કર્યા હોવાનું સ્વીકાર્યું હતું. મોટાભાગે હોન્ડા એક્ટિવાની ચોરી કરવામાં આવતી હતી.


તપાસમાં વધુ ખુલાસો થયો કે આરોપી ચોરીના વાહનો અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં ગેરેજ ચલાવતા ઇમરાન અબ્બાસભાઈ શેખને માત્ર રૂ. 4થી 5 હજારના ભાવે વેચી દેતો હતો. પોલીસે ઇમરાન શેખની પણ ધરપકડ કરી તેની પાસેથી સાત ચોરીના વાહનો અને તોડી પાડવામાં આવેલી ત્રણ એક્ટિવાના એન્જિન કબજે કર્યા હતા. આરોપી વાહનોના સ્પેર પાર્ટ્સ વેચીને ગેરકાયદે નફો કમાતો હોવાનું પણ સામે આવ્યું છે.


10 એક્ટિવા સહિત રૂ.3.95 લાખનો મુદ્દામાલ જપ્ત


પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 10 હોન્ડા એક્ટિવા, એક ટીવીએસ જ્યુપીટર, એક પેશન પ્રો મોટરસાઇકલ અને ત્રણ એક્ટિવાના એન્જિન મળી કુલ રૂ. 3.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સમા, હરણી, ફતેગંજ, છાણી, અકોટા સહિત વડોદરા શહેર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કુલ 21 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપી સામે અગાઉથી વાહનચોરીના 16 તથા જુગારનો એક સહિત કુલ 17 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post