News Portal...

Breaking News :

બ્રિટનમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, ત્રણ ડબ્બા પલટી ગયા

2026-08-14 10:09:19
બ્રિટનમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, ત્રણ ડબ્બા પલટી ગયા

બ્રિટનના દક્ષિણ વિસ્તારમાં ગુરુવારે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. લ્યુઇસ શહેર નજીક લંડનના વિક્ટોરિયા સ્ટેશનથી ઈસ્ટબોર્ન જઈ રહેલી સધર્ન રેલની પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનના ઓછામાં ઓછા ત્રણ ડબ્બા પલટી ગયા હતા, જેના પગલે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

રેલ લાઈન અને નેટવર્ક રેલે સંયુક્ત નિવેદન દ્વારા અકસ્માતની પુષ્ટિ કરી છે. ઘટના બાદ ફાયરફાઇટર્સ, પેરામેડિક્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અનેક એમ્બ્યુલન્સ અને ત્રણ હેલિકોપ્ટરની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હાલમાં સત્તાવાર રીતે કોઈ મુસાફરના મોત અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, કેટલાક મુસાફરોએ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી આપી છે.

મુસાફર રોબ બ્રેડલીએ જણાવ્યું કે ટ્રેન ઝડપ પકડતા જ ધ્રૂજવા લાગી હતી. અચાનક જોરદાર ઝટકો લાગ્યો અને સામાન આગળની તરફ ફેંકાઈ ગયો. ટ્રેન થોડા સમય સુધી લપસતી રહી અને પાછળનો ડબ્બો પલટી ખાઈને મેદાન તરફ સરકી ગયો. બ્રેડલી અને તેમની છ વર્ષની પુત્રી સુરક્ષિત છે, પરંતુ તેમણે કેટલાક મુસાફરોને લોહીલુહાણ હાલતમાં જોયા હતા.

બ્રિટનના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઇડી એલેક્ઝાન્ડરે અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી અને રાહત કામગીરીમાં જોડાયેલી ઇમરજન્સી સેવાઓનો આભાર માન્યો. અકસ્માતની તપાસ ચાલી રહી છે.

Reporter: admin

Related Post