News Portal...

Breaking News :

ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 મજૂરોના મોત, 2 હજુ લાપતા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

2026-08-14 10:04:41
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 મજૂરોના મોત, 2 હજુ લાપતા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી વિસ્તારમાં ગુરુવારે સાંજે નિર્માણાધીન ટનલમાં અચાનક પાણી અને ભારે કાટમાળ ઘૂસી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સમયે ટનલમાં 22 મજૂરો કામ કરી રહ્યા હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન 20 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 7 મજૂરોના મોત થયા છે, જ્યારે 13 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. બે મજૂરો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.

આ દુર્ઘટના ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન (THDC)ની પ્રોજેક્ટ સાઇટ પર બની હતી. આ પ્રોજેક્ટનું બાંધકામ કાર્ય હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (HCC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સાંજે લગભગ 7:05 વાગ્યે ટનલના ગેટથી આશરે દોઢ કિલોમીટર અંદર અચાનક મોટી માત્રામાં પાણી અને કાટમાળ ભરાઈ ગયો હતો. આ દરમિયાન જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હોવાની માહિતી પણ સામે આવી છે.

ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લાપતા બે મજૂરોની શોધખોળ માટે બચાવ કામગીરી સતત ચાલુ છે.

ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP) અને સેનાની ટીમો પણ બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે. જિલ્લા કલેક્ટર ગૌરવ કુમાર ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશનની દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Reporter: admin

Related Post