અમદાવાદ : દેશભરમાં છેલ્લાં ઘણાં સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આવી જ એક ઘટના હવે અમદાવાદમાંથી પણ સામે આવી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હાઈકોર્ટના ઈમેલ આઈડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈમેલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ હાઈકોર્ટ પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હાઈકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા છે અને ડોગ-સ્ક્વૉડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈમેલ મળતાં જ હાઈકોર્ટ વહીવટીતંત્રે અધિકારીઓને ચેતવણી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Reporter: admin