પાવાગઢ : દિવાળીના તહેવારમાં પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિર રોજબરોજ લાખો લોકો દર્શન કરતાં હોય છે, ત્યારે મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવ્યા બાદ આજે વહેલી સવારથી મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
જોકે પોલીસ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ કાફલો મંદિર પહોંચી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ કર્યા બાદ માતાજીના શૃંગારની ચોરી ન થઈ હોવાનું જાણવા મળતા મંદિરના વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્રએ પણ હાશકારો લીધો છે.ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, CCTVના ફૂટેજ મુજબ, મંદિરના દાદરાની પાસે આવેલ અને ખીણમાં જતી પાઈપનો ઉપયોગ કરીને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ મંદિરમાં એક વ્યક્તિ આવ્યો હતો.
આ વ્યક્તિ ચોરી કરવાના ઇરાદાથી મંદિરમાં આવ્યો હતો. જોકે મંદિરના સભ્યોએ કહ્યું છે કે, મંદિર કે ગર્ભગૃહમાંથી કોઈપણ ચીજ વસ્તુઓ ચોરાઈ નથી. હાલ પોલીસ દ્વારા રાત્રે પ્રવેશેલા વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ છે. બીજી તરફ મંદિરના વહીવટી તંત્ર દ્વારા મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.
Reporter: admin