News Portal...

Breaking News :

MSUમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ મેસની 24,000 ફી લેવાનો નિર્ણય રદ્દ કરાયો

2024-06-28 20:41:55
MSUમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ  મેસની 24,000 ફી લેવાનો નિર્ણય રદ્દ કરાયો


જેનો રાજા વેપારી એની પ્રજા ભીખારી...આ કહેવત એમ એસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે ફીટ બેસે છે. કારણ કે, એ જમાનાની શૈક્ષણિક સંસ્થા હવે, વેપારનો અડ્ડો બની ચુકી છે. શૈક્ષણિક સંસ્થાના વેપારીકરણના વિરોધમાં આજે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં ફીની સાથેસાથે હોસ્ટેલ ફી અને મેસના ચાર્જ પહેલા જ ભરવા અંગેના નિયમનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. હકીકતમાં વાત એવી હતી કે, એમ એસ યુનિવર્સિટીના એડમિશન પ્રક્રિયામાં ફી અને હોસ્ટેલ ફીની સાથે સાથે મેસની ફી પણ પહેલા જ વસુલવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં 7000 ફી અને સાથેસાથે 24,000 મેસની ફી પણ વસુલવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે, વિદ્યાર્થીઓના મીજાજને પારખી ગયેલા સત્તાધીશોએ મોડીસાંજે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો


વડોદરાના રાજવી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે સારું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી એમ એસ યુનિવર્સિટીની રચના કરી હતી. પણ કાળક્રમે એમ એસ યુનિવર્સિટીની સત્તા એવા લોકોના હાથમાં આવી ચુકી છે. જેમને સ્થાનિક વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવાને બદલે એમની પાસે પૈસા ઉઘરાવવામાં વધારે રસ હોય એવુ લાગી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી એમ એસ યુનિવર્સિટીમાં રોજ કંઈક નવા મુદ્દે વિરોધ પ્રદર્શનો, ધરણા અને ઉગ્ર રજૂઆતો થઈ રહી છે. આજે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે ધરણા પ્રદર્શન કર્યાં હતા


વિદ્યાર્થીઓની સાથેસાથે કેટલીક વિદ્યાર્થિનીઓ પણ વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી હતી. મૂળ વાત એવી હતી કે, યુનિવર્સિટી સત્તાધીશોએ આ વર્ષથી હોસ્ટેલમાં રહેવા આવનારા વિદ્યાર્થીઓ માટે નવો નિયમ શરુ કર્યો છે. જેના અંતર્ગત હવેથી યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓએ ફીની સાથેસાથે આખાય વર્ષની મેસની ફી પણ ચુકવવાનો ફતવો જારી કરવામાં આવ્યો છે. જે મુજબ હવે વિદ્યાર્થીઓને રુપીયા 7000 ફીની સાથેસાથે મેસના રુપિયા 24,000 પણ ચુકવવા પડશે. જોકે, યુનિવર્સિટીના આવા વેપારીવેડા સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ પણ હેડ ઓફિસની સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિદ્યાર્થીઓનો મીજાજ જોઈને યુનિવર્સિટીના સત્તાધીશો ફફડી ઉઠ્યા હતા અને તેમણે મેસની વાર્ષિક 24,000 ફી એકસાથે શરુઆતમાં લેવાનો નિર્ણય પાછો ખેંચતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

Reporter: News Plus

Related Post