ટાટા ગ્રુપે નાણાકીય વર્ષ 2025-26માં શાનદાર પ્રદર્શન સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. ગ્રુપનો કુલ નફો 52 ટકા વધીને રૂ.1.71 લાખ કરોડ પર પહોંચી ગયો છે. સ્ટીલ, ઓટોમોબાઈલ, સોફ્ટવેર, એવિએશન અને એનર્જી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં મજબૂત પ્રદર્શનના કારણે આ સફળતા મળી છે.
આ સાથે જ હોલ્ડિંગ કંપની ટાટા સન્સ સંપૂર્ણપણે દેવુંમુક્ત બની ગઈ છે. કંપનીના બોર્ડે શેરધારકો માટે રૂ.1,10,717 પ્રતિ શેરના વિશેષ ડિવિડન્ડની ભલામણ કરી છે.
ટાટા મોટર્સનો EV માર્કેટમાં દબદબો
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટાટા મોટર્સે મજબૂત પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીએ રૂ.3.41 લાખ કરોડનું રેવન્યુ નોંધાવ્યું છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં 40 ટકાથી વધુ હિસ્સો જાળવી રાખ્યો છે. નેક્સોન અને પંચ જેવા EV મોડલ ગ્રાહકોમાં લોકપ્રિય રહ્યા છે.
કોમર્શિયલ વાહન ક્ષેત્રમાં પણ કંપનીએ 55 ટકા હિસ્સા સાથે પોતાનું નેતૃત્વ જાળવી રાખ્યું છે.
ટાટા સ્ટીલનું રેકોર્ડ પ્રદર્શન
ટાટા સ્ટીલે પણ નાણાકીય વર્ષ દરમિયાન નોંધપાત્ર પ્રગતિ કરી છે. કંપનીએ રૂ.2.34 લાખ કરોડનું રેવન્યુ નોંધાવ્યું છે અને ભારતીય બજારમાં અત્યાર સુધીની સૌથી વધુ ઘરેલુ ડિલિવરી કરી છે.
ભવિષ્યની ટેક્નોલોજીમાં રોકાણ
ટાટા ગ્રુપ હવે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કનેક્ટિવિટી, એનર્જી અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ ફેક્ટરીનું નિર્માણ કરી રહી છે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ભવિષ્યની ટેક્નોલોજીમાં રોકાણ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
Reporter: admin







