વડોદરા શહેર એસઓજીએ તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી નજીક અન્સાર હોસ્પિટલ પાસે આવેલી નુરાની પાર્ક સોસાયટી પાસેથી ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 250 ગ્રામ ચરસ, મોટરસાયકલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે પાદરાના આતી ગામનો રહેવાસી ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેક નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાયકલમાં ચરસ છુપાવી તાંદલજા વિસ્તારમાં વેચાણ કરવા આવે છે. આ માહિતીના આધારે એસઓજીએ એનડીપીએસ એક્ટની જોગવાઈ મુજબ વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન આરોપી પાસેથી મળેલી ડિસ્કવર મોટરસાયકલની સીટ નીચે 250 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મોટરસાયકલની નંબર પ્લેટ સાઇડબેગમાં છુપાવેલી મળી આવી હતી. ઉપરાંત વાહનના ચેસીસ અને એન્જિન નંબરમાં ચેડાં કરાયા હોવાની પણ પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આર્થિક લાભ માટે ચરસ વેચાણ કરતો હોવાની વિગતો બહાર આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી બિહારના મોતીહારી જિલ્લાના મનરાજ નામના વ્યક્તિ પાસેથી ચરસ મેળવી રેલવે મારફતે વડોદરા લાવતો અને અહીં છૂટક વેચાણ કરતો હતો.
આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ઝડપાયેલા આરોપી ઉપરાંત ચરસ સપ્લાય કરનાર ફરાર આરોપીને શોધવા અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Reporter: admin







