વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનના ગુનાઓમાં ફરાર આરોપીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન હાલોલના તાજપુરા ખાતે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલી કારના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને શોધી કાઢ્યો છે. આરોપી કૌશલ કિરીટભાઈ પંચોલી (રહે. પાટલીપુત્ર ડુપ્લેક્સ, વાઘોડિયા-ડભોઈ રોડ, વડોદરા) લાંબા સમયથી પોલીસથી બચવા નાસતો ફરતો હતો.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વર્ષ ૨૦૨૫માં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે હાલોલ રૂરલ પોલીસને સોંપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ હાલોલ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે બાસ્કા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલક કાર પૂરઝડપે ભગાડી ગયો હતો. પોલીસે પીછો કરતાં કાર તાજપુરા ગામ નજીક બિનવારસી હાલતમાં મળી આવી હતી, જ્યારે ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
કારની તપાસ દરમિયાન ૨૦૪ ટીન બીયર અને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અંદાજે રૂ. ૯૨,૫૮૦નો દારૂ તેમજ કાર સહિત કુલ રૂ. ૭.૯૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન કૌશલ પંચોલીની સંડોવણી સામે આવતા તે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો, જેને હવે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે.
Reporter: admin







