વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા તા. 11 ફેબ્રુઆરી 2025ના રોજ એક વિશિષ્ટ એક્સ્ટ્રા મ્યુરલ લેકચર અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લેકચર ફરુખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ સાબીર ખાન દ્વારા આપવામાં આવ્યુંહતું. જેઓએ ‘ફરુખાબાદ ઘરાનાની પરંપરાઓ અને વિશેષતાઓ’ વિષય પર લેક્ચર આપ્યું હતું, જેમાં તેમણે ફરુખાબાદ ઘરાનાની તબલા પરંપરા, વિવિધ બંદિશો અને તેના વિશિષ્ટ સૂક્ષ્મ પાસાઓ અંગે વિશદ માહિતીઓ આપી હતી.સાંજે ૦૬ કલાકે ફેકલ્ટિ ના કોન્સર્ટ હોલ ખાતે ઉસ્તાદ સાબીર ખાન અને તેમના પુત્ર આરિફ ખાનનું તબલા વાદન પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબલા વિભાગ ના મોરેશિયસ થી PhD કરવા આવેલ વોમેશ ભુટુઆ એ સાથ આપ્યો હતો તેમજ વડોદરાના ખ્યાતનામ ઉસ્તાદ ઇલિયાસ ખાને સારંગી પર તેમની સાથે સંગત કરી હતી.

ઉસ્તાદ સાબીર ખાને તેમના તબલા એકલ પ્રસ્તુતિમાં ફરુખાબાદ ઘરાનાની પરંપરાગત બંદિશો, કાયદા, રેલાઓ, ગત વગેરે રજૂ કરી, જે દર્શકો માટે એક અવિસ્મરણીય સંગીત અનુભૂતિ સાબિત થઈ હતી.આ સમગ્ર દિવસભર ચાલેલા સાંગીતિક કાર્યક્રમ દ્વારા તબલાના વૈવિધ્યસભર પરંપરાગત તબલા વાદન ની સંસ્કૃતિને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. તબલા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંગીતપ્રેમીઓ અને ગવેશકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
Reporter: admin