News Portal...

Breaking News :

પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને સ્વીટી હત્યાકાંડમાં, આજીવન સજા

2026-08-15 11:41:05
પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને સ્વીટી હત્યાકાંડમાં, આજીવન સજા

ગુજરાતના ચકચારી સ્વીટી પટેલ હત્યાકાંડમાં કરજણ કોર્ટે એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2021માં સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવનાર આ હાઇપ્રોફાઇલ મર્ડર કેસમાં અદાલતે મુખ્ય આરોપી અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ (એ.એ. દેસાઈ)ને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપી PIને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે આ નિર્મમ હત્યાકાંડમાં પુરાવાનો નાશ કરવામાં અને મદદગારી કરવામાં સામેલ રાજકીય આગેવાન કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદની સજા અને ₹2 લાખનો દંડ ફટકારવામાં આવતા રાજકીય અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, વર્ષ 2021માં કરજણ ખાતે રહેતી સ્વીટી પટેલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. શરૂઆતમાં તેમના પતિ અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI અજય દેસાઈએ સ્વીટી પટેલ ગુમ થઈ હોવાની નાટકબાજી કરી હતી અને તપાસનો દોર બીજી તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારજનોની શંકા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશિષ્ટ તપાસમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાનો ખુલાસો થયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, અજય દેસાઈ અને સ્વીટી પટેલ પ્રેમસંબંધમાં હતાં અને એકસાથે રહેતા હતા. તેમને એક બાળકી પણ હતી. પરંતુ, કૌટુંબિક અને અંગત અણબનાવના કારણે PI એ.એ. દેસાઈએ પોતાની જ પ્રેમિકા/પત્ની સ્વીટી પટેલની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી PIએ પોતાના હોદ્દા અને પોલીસ અનુભવનો દુરુપયોગ કરીને ગુનાને છુપાવવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર, સ્વીટી પટેલની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સગેવગે કરવા માટે PI અજય દેસાઈએ રાજકીય આગેવાન કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી. મૃતદેહને ગાડીમાં મૂકીને એક અવાવરુ સ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના પર પેટ્રોલ અથવા જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો, જેથી પુરાવા સંપૂર્ણપણે નાશ પામે.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તે સમયે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSને સોંપવામાં આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે પોલીસે આરોપી અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. FSL રિપોર્ટ અને ડીએનએ પ્રોફાઇલિંગ આ કેસમાં આરોપીઓને ગુના સાથે સાંકળવામાં સૌથી મજબૂત કડી સાબિત થયાં હતાં.
કરજણ કોર્ટમાં ચાલેલા લાંબા કેસ બાદ સરકારી વકીલોની દલીલો, સાક્ષીઓની જુબાની અને મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓને ધ્યાને રાખીને ન્યાયાધીશે આ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે હતી, તેવા જ એક જવાબદાર પોલીસ અધિકારીએ આટલો ઘાતકી ગુનો આચર્યો છે, જે સમાજ માટે અત્યંત ગંભીર બાબત છે.

કોર્ટે PI અજય દેસાઈને હત્યા અને પુરાવાનો નાશ કરવાની વિવિધ કલમો હેઠળ આજીવન કેદ અને 2 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. જ્યારે ગુનાહિત ષડયંત્ર અને મદદગારી કરવા બદલ કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ચુકાદા બાદ સ્વીટી પટેલના પરિવારે ન્યાયતંત્રનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, મોડો તો મોડો, પરંતુ દીકરીને સાચો ન્યાય મળ્યો છે. કરજણ કોર્ટના આ ચુકાદાથી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો અને કાયદાનો દુરુપયોગ કરનારા તત્વોમાં એક કડક સંદેશ ગયો છે.

Reporter: admin

Related Post