News Portal...

Breaking News :

ડિજિટલ અરેસ્ટ કૌભાંડના આરોપીઓને જામીન મુશ્કેલ, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

2026-07-28 13:01:47
ડિજિટલ અરેસ્ટ કૌભાંડના આરોપીઓને જામીન મુશ્કેલ, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલીઓ હવે વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે આવા કેસોમાં આરોપીઓને સરળતાથી જામીન આપવાના પક્ષમાં નથી, સિવાય કે તેઓ પોતાની મુક્તિ માટે કોઈ ખાસ કારણ રજૂ કરે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ સ્કેમ લોકો, ખાસ કરીને વૃદ્ધો સામે આચરવામાં આવતા ગંભીર પ્રકારના ગુનાઓમાં સામેલ છે.

અદાલતે કહ્યું કે આવા કૌભાંડોમાં લોકોની જીવનભરની બચત અને મહેનતની કમાણી છેતરપિંડીથી પડાવી લેવામાં આવે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં તેમને આ નાણાંની સૌથી વધુ જરૂર હોય છે.
એક આરોપીએ દલીલ કરી હતી કે તેણે માત્ર મુખ્ય આરોપીને બેંક ખાતું ખોલવામાં મદદ કરી હતી અને તે એક વર્ષથી વધુ સમયથી જેલમાં છે. તેના પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ગુનામાં ઉપયોગમાં લેવાતા માધ્યમમાં સહાય કરે છે તો તે પણ ગુનામાં ભાગીદાર ગણાઈ શકે છે.

શું છે ડિજિટલ અરેસ્ટ કૌભાંડ ?

ડિજિટલ અરેસ્ટ સાયબર ઠગો દ્વારા કરવામાં આવતો ખતરનાક ઓનલાઈન ફ્રોડ છે. તેમાં ઠગો પોતાને પોલીસ, CBI, ED, કસ્ટમ અથવા અન્ય સરકારી અધિકારી તરીકે ઓળખાવે છે અને લોકોને વીડિયો કોલ દ્વારા ડરાવીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે.
ઠગો વોટ્સએપ અથવા સ્કાઇપ પર વીડિયો કોલ કરી પોલીસ સ્ટેશન જેવું ફેક બેકગ્રાઉન્ડ અથવા યુનિફોર્મનો ઉપયોગ કરે છે, જેથી સમગ્ર ઘટનાને અસલી બતાવી શકાય. ત્યારબાદ પીડિતોને સતત ઓનલાઈન રહેવા અને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંપર્ક ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે આવા કેસોમાં કડક વલણ અપનાવતા નીચલી અદાલતો અને હાઈકોર્ટને પણ સાવચેત રહેવાનો સંદેશ આપ્યો છે.

Reporter: admin

Related Post