ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયા બાદ હવે દાહોદ લોકસભા મતવિસ્તારના સંતરામપુરના એક ગામમાં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના મામલે ચૂંટણી પંચ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે.
FIR કરવામાં આવશે
દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન આવ્યુ છે. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિઓ ધ્યાને આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાયો છે. જેને લઇ SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે.
આરોપીઓની ધરપકડ કરાશેઃ ચૂંટણી પંચ
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા. સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે. પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે. ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે. બુથ કેપ્ચરિંગમાં સામેલ બંને લોકોની ધરપકડ કરવામાં આવશે. અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી.
શું છે સમગ્ર મામલો
વાત જાણે એમ છે કે, મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના ઇસમે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. જેણે લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. આ તરફ બૂથ કેપ્ચરીંગના વાયરલ વાડિયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.
મતદાન દરમિયાન બૂથ કેપ્ચરીંગ
દાહોદ લોકસભા મતવિસ્તારના મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બૂથ કેપ્ચરીંગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વિજય ભાભોર નામના યુવકે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હોવાનો અને અન્ય લોકો સાથે મળી બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. વિજય ભાભોરે બૂથના અધિકારીઓ અને કર્મચારીઓને ગાળો ભાંડી બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ થયો છે. આ તરફ બૂથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોરે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી.
કોંગ્રેસના ઉમેદવારે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી
આ તરફ વિડીયો વાયરલ થતાં વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી બૂથ કેપ્ચરીંગનો વિડીયો ડિલિટ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે. જેને લઈ ફરિયાદ બાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે. આ બધાની વચ્ચે દાહોદમાં બૂથ કેપ્ચરીંગના વાયરલ વિડીયો મામલે ચૂંટણીપંચે રીપોર્ટ મંગાવ્યો છે. જેથી હવે ચૂંટણીપંચ રિપોર્ટને આધારે નિર્ણય લેશે. મહત્વનું છે કે, સ્થાનિક પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
Reporter: News Plus